“કોઈ કસર નહીં છોડાશે”, ભારતમાં થશે 2036ની ઓલમ્પિક રમતો : પીએમ મોદીએ કર્યો દાવો
ભારત હાલમાં ODI ક્રિકેટના મહાકુંભ એટલે કે વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે અને હવે ભારતની નજર રમતના મહાકુંભ એટલે કે ઓલિમ્પિક ગેમ્સની યજમાની પર છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે ભારત 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાનીનો દાવો રજૂ કરશે. મુંબઈમાં વર્લ્ડ સેન્ટરમાં આયોજિત ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના સત્રમાં મોદીએ આ વાત કહી. ભારતે હજુ સુધી એક પણ વખત ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કર્યું નથી. ભારતે 2010માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી. આ સિવાય ભારતે 1982માં નવી દિલ્હીમાં એશિયન ગેમ્સની યજમાની કરી હતી.
એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ મલ્ટિ-સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ છે અને આ બેમાંથી સૌથી મોટી ઈવેન્ટ ઓલિમ્પિક ગેમ્સ છે. નરેન્દ્ર મોદીએ ઘણી વખત ઓલિમ્પિક ગેમ્સની યજમાનીની વાત કરી હતી, પરંતુ IOC સત્રમાં મોદીએ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે ભારત ઓલિમ્પિકની યજમાનીનો દાવો કરશે.
‘કોઈ કસર છોડશે નહીં’
વડાપ્રધાને કહ્યું કે ભારત ઓલિમ્પિકની યજમાની કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે અને 2036માં ગેમ્સની યજમાની કરવા માટે કોઈ કસર છોડશે નહીં. મોદીએ કહ્યું કે ભારતના લોકોનું સપનું છે કે તેઓ ઓલિમ્પિકને પોતાના ઘરે જોવે અને IOCના સમર્થનથી તેઓ કરોડો ભારતીયોનું આ સપનું પૂરું કરવા માંગે છે.મોદીએ કહ્યું કે રમત દ્વારા માત્ર મેડલ જ નહીં પરંતુ હૃદય પણ જીતવામાં આવે છે. અને તે માત્ર ચેમ્પિયન બનાવે છે પરંતુ શાંતિને પ્રોત્સાહન આપે છે.
યુથ ઓલિમ્પિક પર પણ નજર
વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે ભારત માત્ર 2036માં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સની યજમાનીનો દાવો જ નહીં પરંતુ 2029માં યોજાનારી યુથ ઓલિમ્પિક ગેમ્સની યજમાનીનો દાવો પણ રજૂ કરશે. તેમણે આશા વ્યક્ત કરી કે ભારતને IOC તરફથી ઘણો સહયોગ મળશે. ભારત બીજી વખત IOC સત્રનું આયોજન કરી રહ્યું છે.