શહેરમાં બે લાખ કોનોકાર્પસ વૃક્ષો દુર કરવા મહાનગર પાલિકાની કવાયત : પર્યાવરણની સાથે માનવજાત માટે પણ જોખમકારક

0
Municipal Corporation's exercise to remove two lakh conocarpus trees in the city

Municipal Corporation's exercise to remove two lakh conocarpus trees in the city

પર્યાવરણ (Environment) અને માનવ સ્વાસ્થ્ય મુદ્દે ઘેરી ચિંતાનો વિષય સાબિત થઈ રહેલા કોનોકાર્પસ વૃક્ષ અંગે ગુજરાત વિધાનસભામાં વન – પર્યાવરણ વિભાગની ચર્ચા દરમ્યાન ધારાસભ્ય કનુ પટેલ દ્વારા આ વૃક્ષનાં વાવેતર ઉપર પ્રતિબંધ મુકવાની વાત કરતાં લોકોનું ધ્યાન આ તરફ આકર્ષાયું છે. પર્યાવરણને ખતરામાં મુકનાર આકર્ષક દેખાતાં કોનોકાર્પસ દેખાવામાં જેટલું સુંદર છે તેટલું જ નુકસાનકારક છે. જમીનમાંથી સૌથી વધુ ભુગર્ભ જળ શોષી લેનારૂં આ વૃક્ષ હવે વહીવટી તંત્રમાં પણ આંખમાં કણાની જેમ ખુંચી રહ્યું છે અને તેને પગલે જ સુરત મહાનગર પાલિકાનાં ગાર્ડન વિભાગ દ્વારા પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ઉછેરવામાં આવેલા બે લાખ જેટલાં કોનોકાર્પસને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

એક અંદાજ મુજબ માત્ર સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં બે લાખથી વધુ કોનોકાર્પસના ઝાડો આવેલા છે. સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ડિવાઈડરોથી માંડીને બીઆરટીએસ કોરિડોર અને રાંદેર કોઝવે પર મોટી સંખ્યામાં કોનોકાર્પસ વૃક્ષની રોપણી કરવામાં આવી હતી. આ સિવાય શહેરની આસપાસ આવેલા ફાર્મ હાઉસોમાં પણ સુશોભન માટે કોનોકાર્પસના વૃક્ષો કતારબદ્ધ જોવા મળે છે. જો કે, હવે આ વૃક્ષ અંગે થયેલા સંશોધનમાં ચોંકાવનારા પરિણામો આવતાં મહાનગર પાલિકા દ્વારા તબક્કાવાર આ વૃક્ષને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જેના ભાગરૂપે ભાગરૂપે પહેલા તબક્કાની કામગીરીમાં જહાંગીરપુરા કુરૂક્ષેત્ર પાસે ડિવાઈડર પર મોટી સંખ્યામાં ઉગાડવામાં આવેલા આ વૃક્ષને દુર કરીને તેને સ્થાને અન્ય વૃક્ષો – છોડની રોપણી કરવામાં આવી છે. આ સિવાય આગામી ચોમાસાની ઋતુમાં કેનાલ કોરીડોર અને બીઆરટીએસ કોરીડોરમાંથી આ વૃક્ષને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

કાર્બન ડાયોક્સાઇડ વધુ પ્રમાણમાં છોડતાં હોવાથી શ્વસન રોગ માટે પણ જવાબદાર

વનસ્પતિશાસ્ત્રીઓનાં દાવા મુજબ કોનોકાર્પસનું વૃક્ષ માત્ર ભુગર્ભમાંથી સૌથી વધુ પાણીનું શોષણ નથી કરતું. આ સિવાય તે કાર્બન ડાયોક્સાઇડ વધુ પ્રમાણમાં છોડતાં હોવાથી શ્વસન રોગ માટે પણ જવાબદાર છે. આ અંગે વિશેષજ્ઞ ડો. ઉદુથા ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, તમામ પ્રકારના વૃક્ષોમાંથી એક સરખો અનુભવ નથી થતો. સંશોધન દરમિયાન અલગ અલગ વૃક્ષો માણસની ચામડી અને શ્વસન પ્રક્રિયા પર અસર કરે છે. આ પ્રકારના વૃક્ષોની આસપાસ રહેતા નાગરિકોને કફ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. જેને તબીબી ભાષામાં એલર્જિક બ્રોન્કાઇટિસ અને બ્રોન્કાયલ હાઈપર રીએક્ટિવટી તરીકે ઓળખવામાં આવે છે.

જમીનમાં ઉંડે સુધી મૂળિયા જતાં હોવાથી ડ્રેનેજ લાઈનોને સૌથી વધુ નુકસાન

કોનોકાર્પસ વૃક્ષના મુળિયા ખૂબ જ મજબૂત હોવાની સાથે સાથે ઉંડાણ સુધી વિસ્તરતા હોય છે. આ સ્થિતિમાં શહેરોમાં જો કોનોકાર્પસ ઉછેરવામાં આવે તો તેની સૌથી મોટી સમસ્યા તેના ઉંડા મુળિયા સાબિત થઈ શકે તેમ છે. જમીનમાં ઉંડે સુધી મુળિયાઓના વિસ્તરણને પગલે ડ્રેનેજથી માંડીને વરસાદી ગટર લાઈનને પણ આ મુળિયાઓને કારણે નુકસાન પહોંચતું હોય છે. આ સિવાય ઘરની આસપાસ ઉછેરવામાં આવતાં આ વૃક્ષોને લીધે દિવાલોથી માંડીને મકાનોને પણ નુકસાન પહોંચાવની પ્રબળ શક્યતા હોય છે. આ સ્થિતિમાં હવે નાગરિકોને પણ આ વૃક્ષ દૂર કરવા માટે અપીલ કરવામાં આવે છે.

કોનોકાર્પસનાં ઉછેર પર પ્રતિબંધ લગાવનાર તેલંગાણા પ્રથમ રાજ્ય

દુનિયાભરમાં કોનોકાર્પસ મુદ્દે અલગ – અલગ સંશોધનો બાદ હવે આ વૃક્ષ માનવજાત માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. આ સ્થિતિમાં સમગ્ર દેશમાં તેલંગાણા પહેલું એવું રાજ્ય બન્યું છે જેણે કોનોકાર્પસનાં ઉછેર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હાલમાં જ તેલંગાણા પંચાયત રાજ અને ગ્રામ્ય વિકાસ કમિશનર દ્વારા તમામ જિલ્લા ગ્રામ વિકાસ અધિકારીઓને લેખિતમાં ઓર્ડર કરીને જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી યોજના હેઠળ વાવવામાં આવતાં આ વૃક્ષો પર હવે પ્રતિબંધ મુકવામાં આવે છે. આ સિવાય મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ આ અંગે સઘન ચર્ચાઓ હાથ ધરવામાં આવી છે. પુણે નગર નિગમ દ્વારા તો સાવર્જનિક પાર્કોથી માંડીને જાહેર રસ્તાઓ પર કોનોકાર્પસનાં વૃક્ષો ન રોપવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *