પુણા ગામમાં મોડી રાત્રે ઈ-બાઈકની બેટરીમાં વિસ્ફોટ : ચાર જણા દાઝ્યા
શહેરના પુણા(Puna) ગામમાં મોડી રાત્રે ચાર્જીંગ પર મુકવામાં આવેલ ઈ-બાઈકની બેટરીમાં ધડાકાભેર વિસ્ફોટ થતાં ઘરમાં આગ ફાટી નીકળી હતી. અચાનક સર્જાયેલી આ હોનારતને કારણે સોસાયટીના રહેવાસીઓમાં પણ ભારે ચકચાર મચી જવા પામી હતી. જ્યારે બીજી તરફ બેટરી ફાટવાને કારણે આગ ફાટી નીકળતાં એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત પડોશી યુવક ગંભીર રીતે દાઝી ગયા હતા. આ તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ આ તમામની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઘટના અંગે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.
શહેરના પુણા ગામ ખાતે આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા શિવલાલ ગગજી રાણપરીયા દ્વારા ગત મોડી રાત્રે પોતાની ઈલેક્ટ્રીક બાઈક ચાર્જમાં મુકી હતી. દરરોજની જેમ બાઈક ચાર્જીંગમાં મુક્યા બાદ પરિવારજનો નિરાંતે સુઈ ગયા હતા. જો કે, મળસ્કે 3.30 કલાકની આસપાસ ઈલેક્ટ્રીક બાઈકની બેટરીમાં પ્રચડ વિસ્ફોટ સાથે આગ લાગવતાં પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા. ભરઉંઘમાંથી ઉઠેલા શિવલાલ રાણપરીયા સહિતના પરિવારજનો કંઈ સમજે – વિચારે તે પહેલાં તો બેટરીના વિસ્ફોટને કારણે ઘરમાં મુકેલા રાંધણ ગેસના સિલિન્ડર સુધી આગ પ્રસરી જઈ હતી અને જોતજોતામાં જ રાંધણ ગેસના સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો હતો. એક પછી એક બે પ્રચંડ ધડાકા થવાને કારણે આખું ઘર આગની ચપેટમાં આવી ગયું હતું.
ઈ-બાઈકની બેટરી અને રાંધણ ગેસના સિલિન્ડરમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળવાની ઘટનાને પગલે સોસાયટીના રહેવાસીઓમાં પણ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને સોસાયટીના રહેવાસીઓ દ્વારા પણ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચે તે પહેલાં આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહેલા 45 વર્ષીય શિવલાલ ગગજી રાણપરિયા, તેમનો 23 વર્ષીય પુત્ર જતીન રાણપરીયા અને 20 વર્ષીય ભત્રીજો મિત રાણપરીયા ગંભીર રીતે દાઝી ગયા હતા. આ સિવાય તેમના પડોશમાં રહેતા 35 વર્ષીય જયેશ લિંબાણી પણ આગ ઠારવાનો પ્રયાસ કરવા જતાં તેઓ પણ દાઝી ગયા હતા. જેને પગલે સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરીને આ ચારેય ઘાયલોને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ ઘટના સ્થળે પહોંચેલા ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, ત્યાં સુધીમાં ઘરમાં મુકેલ તમામ ફર્નિચર સહિતનો મુદ્દામાલ સ્વાહા થઈ જતાં પરિવારનોને ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.
બેટરી અને સિલિન્ડરના ટુકડા 25 ફુટ દુર પડ્યા
પુણા ગામ ખાતે ક્રિષ્ના પાર્કમાં રહેતા શિવલાલ રાણપરીયાના નાના પુત્ર મૌલિકે દોઢ વર્ષ પહેલાં જ ઈ-બાઈક લીધી હતી. જો કે, ગઈકાલે મોડી રાત્રે ચાર્જીંગમાં મુકેલી ઈ-બાઈકની બેટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળતાં ઘરમાં મુકેલા ગેસ સિલિન્ડર પણ ચપેટમાં આવ્યો હતો. ગેસ સિલિન્ડર અને બેટરીમાં પ્રચંડ વિસ્ફોટ થતાં આ બંનેના ટુકડાઓ 20થી 25 ફુટ દુર સુધી ઉડ્યા હતા.
સોસાયટીના રહેવાસીઓમાં મદદ દોડી આવ્યા
મળસ્કે 3.30 કલાકની આસપાસ શિવલાલ રાણપરીયાના ઘરમાં એક પછી એક બે પ્રચંડ વિસ્ફોટ અને ત્યારબાદ વિકરાળ આગ ફાટી નીકળવાની ઘટનાને પગલે સોસાયટીના રહેવાસીઓમાં પણ ભારે ચકચાર મચી જવા પામી હતી. જો કે, ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચે તે પહેલા સ્થાનિકો દ્વારા પણ આગ પર કાબુ મેળવવાનો ભારે પ્રયાસો કરાયો હતો. જેને કારણે પડોશમાં રહેતા 35 વર્ષીય જયેશ લિંબાણી પણ દાઝી ગયા હતા.