વરાછા અને લિંબાયતની છ લાખ વસ્તીને અવિરત પાણી પુરવઠો મળશે
સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના પુણા(Puna) ખાતે આવેલ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ખાતે હવે 74 લાખ લીટરની ક્ષમતા ધરાવતાં ભૂગર્ભ ટાંકી બનાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. અંદાજે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બનનાર આ ભૂગર્ભ ટાંકી માટે વહીવટી તંત્ર દ્વારા પાણી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનાર ભૂગર્ભ ટાંકીના નિર્માણને પગલે આ વિસ્તારમાં વસવાટ કરતાં અંદાજે છ લાખ નાગરિકોને સીધો લાભ થશે.
આર્થિક વિકાસની સાથે – સાથે સુરત શહેરની વસ્તીમાં પણ વધારો થતાં મહાનગર પાલિકા દ્વારા ભવિષ્યને ધ્યાને રાખીને પાયાની સુવિધાઓને પહોંચી વળવા માટે આયોજન કરવામાં આવતું હોય છે. આ સ્થિતિને ધ્યાને રાખીને જ હવે વરાછા અને લિંબાયત ઝોનના નવા સમાવિષ્ટ વિસ્તારોને ધ્યાને રાખીને પુણા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે વધુ એક 74 લાખ લીટરની અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં આ સ્ટેશન ખાતે 2026ની વસ્તીને ધ્યાને રાખીને 58 લાખ લીટરની ભૂગર્ભ ટાંકી બનાવવામાં આવી હતી. જો કે, સતત વધી રહેલી વસ્તીને કારણે આ ટાંકીની ક્ષમતા કરતાં પાણી પુરવઠાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે મહાનગર પાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા વધુ એક 74 લાખ લીટરની પાણીની ટાંકી બનાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વધુમાં, પુણા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ખાતે બનનારી 74 લાખ લીટરની ભૂગર્ભ ટાંકીને કારણે ભવિષ્યમાં આ વિસ્તારમાં 24 બાય 7 યોજના હેઠળ પણ શહેરીજનોને નિયમિત પાણી પુરવઠો પુરો પાડવામાં સરળતા રહેશે.