વિશ્વનો સૌથી યુવા દેશ બન્યો ભારત : વધતી વસ્તી વિનાશ બનશે કે અવસર ?
ભારત (India) હવે વિશ્વના 142.86 કરોડ લોકોનું ઘર છે, જ્યારે ચીનને(China) વસ્તીની દ્રષ્ટિએ આપણને પાછળ છોડી દીધા છે. ચીનની વસ્તી ભારત કરતા 29 લાખ ઓછી એટલે કે 142.57 કરોડ છે. આ સાથે હવે વધુ એક નવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વધતી વસ્તીનો બોજ દેશની અર્થવ્યવસ્થા પર પણ ભારે પડશે. હવે એ સમજવાની જરૂર છે કે વધતી વસ્તી દેશ માટે આફત છે કે તક.
તમને જણાવી દઈએ કે વસ્તીના આ નવા આંકડા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ પોતાના વિશ્લેષણમાં કહ્યું છે કે આગામી 3 દાયકા સુધી ભારતની વસ્તી વધવાની આશા છે. તે પછી જ તેમાં ઘટાડાનો તબક્કો શરૂ થશે.
વધતી જતી વસ્તી…તક કે વિનાશ ?
વધતી વસ્તીને લગતી ઘણી ચિંતાઓ છે. વસ્તીના નવા આંકડા સામે આવ્યા બાદ જ્યારે ચીનના વિદેશ મંત્રાલય પાસે આ અંગે જવાબ માંગવામાં આવ્યો તો તેના પ્રવક્તાએ કહ્યું કે વસ્તી ડિવિડન્ડ વાસ્તવમાં કોઈ સંખ્યા નથી પરંતુ જ્યારે તેને ગુણાકાર કરવામાં આવે છે ત્યારે તે ફાયદાકારક છે. ઉદાહરણ તરીકે, ચીનમાં કુશળ વર્કફોર્સની વસ્તી 900 મિલિયન છે. ઝડપી પ્રગતિ કરવામાં આ ખૂબ જ ઉપયોગી છે. ચીનની વસ્તીનો મોટો ભાગ વૃદ્ધ થઈ રહ્યો છે. ચીનમાં લગભગ 264 મિલિયન લોકોની ઉંમર 60 વર્ષથી વધુ છે. જ્યારે 2035 સુધીમાં તેમની સંખ્યા 40 કરોડ થઈ જશે. એટલે કે, 30 ટકા વસ્તી વર્કફોર્સનો હિસ્સો નહીં હોય, જે અર્થતંત્રમાં વધુ ફાળો નહીં આપે.
ભારત વિશ્વનો સૌથી યુવા દેશ
બીજી તરફ ભારતમાં સ્થિતિ સાવ વિપરીત છે. ભારતની 25 ટકા વસ્તી 0-14 વર્ષની વય જૂથમાં છે. એટલે કે આગામી દાયકામાં આનો મોટો હિસ્સો વર્કફોર્સમાં સામેલ થઈ જશે, જે આર્થિક વૃદ્ધિમાં ઉપયોગી થઈ શકે છે. તે જ સમયે, ભારતની 18 ટકા વસ્તી 10 થી 19 વર્ષની વય જૂથમાં, 26 ટકા 10 થી 24 વર્ષની વય જૂથમાં અને 68 ટકા 15 થી 64 વર્ષની વય જૂથમાં છે. માત્ર 7 ટકા વસ્તી એવી છે કે જેની ઉંમર 65 વર્ષથી વધુ છે.
સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. તેના 15 થી 25 વર્ષની વય જૂથના 25.4 કરોડ લોકો આવનારા વર્ષોમાં નવીનતા અને ઉકેલોની નવી ખાણ હશે. એટલું જ નહીં, 2050 સુધીમાં ભારતની વસ્તી વધીને 166.8 કરોડ થઈ શકે છે, જ્યારે ચીનની વસ્તી ઘટીને 131.7 કરોડ થઈ જશે.
આંકડાઓ પણ ભારતની તરફેણમાં છે
યુવાધનને કારણે વધતી વસ્તી ભારતની તરફેણમાં હોવાની વાત છે, પરંતુ અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા આંકડા પણ આ વાતની સાક્ષી પૂરે છે. તાજેતરમાં, જ્યારે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ વર્લ્ડ ઇકોનોમી આઉટલુક બહાર પાડ્યું હતું, ત્યારે તેણે ભારતનો વિકાસ દર 5.9 ટકા રહેવાની અપેક્ષા રાખી હતી. તે તેના અગાઉના અંદાજ કરતાં થોડું ઓછું હોવા છતાં, ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે.
હવે ભવિષ્યના આંકડાઓ જોઈએ. IMFના અંદાજો દર્શાવે છે કે આગામી વર્ષોમાં એટલે કે 2024, 2025 અને 2026માં ભારતનો વિકાસ દર ચીન કરતા વધુ રહેશે. તે 6.5 ટકા કે તેથી વધુ રહેવાની ધારણા છે. જ્યારે ચીનની અર્થવ્યવસ્થામાં સતત ઘટાડો જોવા મળશે, જે કોવિડ બાદથી ચાલુ છે.