સુરતમાં ત્રણ વર્ષમાં 138 સ્કૂલ શરૂ કરવા અરજી આવી પણ મંજૂરી ફક્ત 6ને જ
ગુજરાતમાં(Gujarat) વર્ષોથી શિક્ષણના (Education) વ્યાપારીકરણને ધ્યાનમાં રાખીને સરકારે શાળાઓની(Schools) મંજૂરી માટેના નિયમો કડક બનાવ્યા છે. જેની અસર પણ જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં સુરતમાં નવી શાળાઓ શરૂ કરવા માટે 138 અરજીઓ આવી હતી, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા માત્ર 6 શાળાઓને જ મંજૂરી આપવામાં આવી હતી.
શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ, સુરત શહેર અને જિલ્લામાં ત્રણ વર્ષમાં અંગ્રેજી માધ્યમની શાળાઓની મંજૂરી માટે સૌથી વધુ 95 અરજીઓ મળી છે. જ્યારે ગુજરાતી શાળાઓ માટે 21, હિન્દી માધ્યમ માટે 16 અને ઉડિયા માધ્યમની શાળાઓ માટે 6 અરજીઓ મળી હતી. શિક્ષણ વિભાગે અરજીઓની ચકાસણી, સ્થળ તપાસ કર્યા બાદ માત્ર 6 નવી શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપી હતી.
હવે ટ્રસ્ટની જમીન અને મેદાન જરૂરી છે
ત્રણ વર્ષ પહેલા સુધી, ટ્રસ્ટને નવી શાળા શરૂ કરવા માટે તેની માલિકીની જમીનની જરૂર નહોતી. ભાડાની જમીન કે બિલ્ડીંગમાં પણ શાળાઓ મંજૂર કરવામાં આવી હતી. જેના કારણે શોપિંગ કોમ્પ્લેક્સમાં શાળાઓ પણ શરૂ કરવામાં આવી હતી. જ્યારે, શાળા એક જગ્યાએ હતી અને મેદાન દૂર અન્ય જગ્યાએ હતું. જેના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો હતો. આવી સ્થિતિમાં આડેધડ શાળાઓની સંખ્યા વધી રહી હતી. હવે સરકારે શાળાઓની મંજૂરી માટેના નિયમો કડક બનાવ્યા છે. હવે ટ્રસ્ટ પાસે પોતાની જમીન તેમજ મેદાન હોવું જરૂરી છે. સુરક્ષાને લઈને નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.