Surat : રખડતા ઢોર સામે કોર્પોરેશન એક્શનમાં, 31માર્ચ સુધી મફતમાં ચિપ લગાવશે
ગુજરાત (gujarat )વિધાનસભાની ચૂંટણી પુરી થતા અને આદર્શ આચારસંહિતા હટવાની સાથે જ રસ્તાઓ પર રખડતા પશુઓની સમસ્યાને લઈને પાલિકા પ્રશાસન ફરી એકવાર એક્શનમાં આવ્યું છે. શહેરમાં હાજર પશુઓમાં રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ચિપ લગાવવામાં આવી રહી છે. આ ચિપ 31 માર્ચ સુધી મફતમાં લગાવવામાં આવશે. ત્યાર બાદ પશુ માલિકો પાસેથી નાણાં વસૂલવા સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રસ્તા પરથી પશુઓને પકડ્યા બાદ રાખવા માટે ત્રણ નવા ઢોર ડબ્બા બનાવવાનું પણ આયોજન છે.
રાજ્યના મોટાભાગના શહેરોમાં રસ્તા પર રખડતા ઢોરની સમસ્યા સામાન્ય છે. જેના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ પણ બન્યા છે. ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્ય સરકારે મહાનગર પાલિકાઓને કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. ચૂંટણી પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા રસ્તાઓ પર રખડતા ઢોર અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ચૂંટણીની જાહેરાત બાદ તેના પર બ્રેક લગાવવામાં આવી હતી. હવે ચૂંટણી પૂર્ણ થયા બાદ અને આચારસંહિતા હટાવ્યા બાદ ફરી એકવાર મહાનગરપાલિકા સક્રિય બની છે અને શહેરમાં હાજર 54557 પશુઓમાં રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન ચિપ લગાવવાનું શરૂ કરી દીધું છે.
મનપાના કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે 31 માર્ચ સુધી પશુઓને વિનામૂલ્યે ચિપ લગાવવામાં આવશે. 1 એપ્રિલથી ચિપ લગાવવાની સાથે પશુ માલિકો પાસેથી પૈસા વસૂલવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. ત્યારે શહેરમાં પશુઓને પકડ્યા બાદ તેમને રાખવા પણ પ્રશાસન માટે મોટી સમસ્યા છે. આનો સામનો કરવા માટે મ્યુનિસિપલ વહીવટીતંત્ર શહેરના ત્રણ અલગ-અલગ ઝોનમાં નવા ઢોર ડબ્બા બનાવવાની યોજના પર પણ કામ કરશે.
ચૂંટણી પહેલા 222 ગેરકાયદે તબેલાઓ સામે કાર્યવાહી
ચૂંટણી પહેલા પાલિકા પ્રશાસને ગેરકાયદે તબેલાઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી. તે દરમિયાન 222 ગેરકાયદે તબેલાઓ દૂર કરવામાં આવ્યા હતા અને 4000થી વધુ ઢોર પકડાયા હતા. આ ઉપરાંત ચાર વર્ષમાં પોલીસ સ્ટેશનમાં 137 ફરિયાદો પણ નોંધાઈ છે. વર્ષ દરમિયાન મહાનગરપાલિકાએ ઢોર માલિકો પાસેથી 40 લાખથી વધુનો દંડ પણ વસૂલ્યો છે.