અમરોલીમાં ઇરફાન નામના યુવકે યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારી 14 લાખ પડાવી લીધા
શહેરના અમરોલી વિસ્તારના કોસાડ ગામમાં રહેતા વિઘર્મી યુવકે ફળિયામાં જ રહેતી એક યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી તેની પાસેથી ઘરમાંથી અવારનવાર ટુકડે ટુકડે રૂપિયા 14 લાખ પડાવી લીધા હતા અને ત્યારબાદ આ વાતની જાણ કોઈને કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી આખરે ભોગ બનનાર યુવતીના પરિવારજનોએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વીધર્મી યુવક સામે બળાત્કારનો ગુનો નોંધી તથા 14 લાખ પડાવી લીધા નો પણ ઉલ્લેખ કરી આગળની તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે અમરોલીમાં કોસાડ ગામમાં આવેલ ટાંકી ફળિયુમાં રહેતો ઈરફાન અકબરભાઈ સિંધી બોરિંગ મૂકવાનું કામ કરે છે. તેના જ ફળિયામાં રહેતી યુવતીને વર્ષ 2022માં મિત્રતા કર્યા બાદ પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ છેલ્લા દોઢ વર્ષથી અવારનવાર તેને લગ્ન કરવાની લાલચ અને અલગ અલગ પ્રલોભન આપી તેની પાસેથી ટુકડે ટુકડે રૂપિયા 14 લાખ પડાવી લીધા હતા. આ ઉપરાંત અવારનવાર યુવતીને અશ્વની કુમાર સ્મશાન પાસે આવેલ ગેસ્ટ હાઉસમાં તથા સતાધાર ચાર રસ્તા પાસે આવેલ હોટલમાં વરીયાવી ટી પોઇન્ટ પાસે આવેલ હોટલમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ માંથી બળાત્કાર ગુજાર્યો હતો અને જો આ વાતની જાણ કોઈને કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. જો કે આખરે બાદમાં ગતરોજ યુવતીના પરિવારે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઈરફાન સામે બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે. વધુમાં પોલીસે પાસેથી મળતી માહિતી અનુસાર ઇરફાન સિંધીએ યુવતી પાસેથી લીધેલા 14 લાખ રૂપિયા બે અલગ અલગ જગ્યાએ બોરિંગ મૂકવામાં વાપરી નાખ્યા હતા. હાલ તો પોલીસે ઇરફાનની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.