સુરત શહેર જિલ્લામાં અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડનાર પાંચ વ્યક્તિઓનું સન્માન
કેન્દ્ર સરકારની(Government) ગુડ સમરિટન યોજનાના રિલોન્ચિંગ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી (CM) ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરથી તમામ જિલ્લાઓના જિલ્લા કલેકટરશ્રીઓ સાથે વર્ચ્યુઅલી સંબોધન કરી કેન્દ્ર સરકારની ગુડ સમરિટન યોજનાનું રાજ્યમાં રિલોન્ચિંગ કર્યું હતું. આ અવસરે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક સહિતના ઉચ્ચ અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.
કોન્ફરન્સ પુર્ણ થયા બાદ કલેકટરશ્રીના હસ્તે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલ પહોંચાડનાર પાંચ ‘ગુડ સમરિટનને પ્રશંસાપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. જેમાં કુશંગભાઈ પ્રવિણભાઈ દેસાઈ, એ.એસ.આઈ.શ્રી મહેન્દ્રભાઈ બાબુરાવ તેમજ ત્રણ લોકરક્ષકો સર્વશ્રી ઈમ્તિયાઝ ચોકિયા, જિગ્નેશગીરી અને જિતેશભાઈ જીવાભાઈનો સમાવેશ થાય છે.
આ અવસરે જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકે જણાવ્યું હતું કે, આપણાં શાસ્ત્રોમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ કરનારને મહાન ગણવામાં આવ્યાં છે. તેમાં પણ જો અમૂલ્ય માનવ જીવન બચાવવાનો અવસર મળે, સાથોસાથ કેન્દ્ર સરકાર તરફથી પુરસ્કાર પણ મળે તો આપણને મળેલું માનવ જીવન સાર્થક થયું ગણી શકાય. “ગુડ સમરિટન એવોર્ડ’ કેન્દ્ર સરકાર તરફથી અમલમાં મુકાયેલી એવી યોજના છે જે ખરા અર્થમાં ગંભીર માર્ગ અકસ્માતમાં દેવદૂત બનીને ઈજાગ્રસ્તોની મદદે આવેલા “ગુડ સમરિટન” વિશે જણવતા કલેકટરશ્રી કહ્યું હતું કે,ગંભીર માર્ગ અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિઓને જો તાત્કાલિક સારવાર મળે તો જાનહાનિ નિવારી શકાય છે. આ યોજના અંતર્ગત અકસ્માત થયાનાં ગોલ્ડન અવરમાં તુરંત મદદે આવનાર વ્યક્તિને ‘ગુડ સમરિટન” કહેવામાં આવે છે.
“ગુડ સમરિટન એવોર્ડ’ વિશે માહિતી આપતા કલેક્ટરશ્રીએ વધુમાં કહ્યું હતું કે, ગુડ સમરિટનને મળવાપાત્ર નાણાંકીય સહાય એવોર્ડ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ, ભારત સરકાર દ્વારા અમલમાં આવેલી આ યોજના અન્વયે એક ગુડ સરિટન એક અથવા વધુ વ્યક્તિઓના જીવ બચાવે તો રૂ.5 હજાર એવોર્ડની રકમ મળવા પાત્ર છે. જો એક કરતાં વધુ ગુડ સમરિટન એક વ્યક્તિનો જીવ બચાવે તો રૂ.5 હજાર તેમની વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે. જો એક કરતાં વધુ ગુડ સરિટન એક કરતાં વધુ વ્યક્તિઓનો જીવ બચાવે તો મહત્તમ રૂ.૫,૦૦૦ પ્રતિ ગુડ સમરિટન પુરસ્કાર મળે છે એમ તેમણે ઉમેર્યું છે.