દીવા તળે અંધારા જેવો ઘાટ : કવિ નર્મદની આજે જન્મજયંતિ પણ ગાંધી બાગની પ્રતિમા પાસે ગંદકીની ભરમાર
સમગ્ર દેશમાં સ્વચ્છતા(Clean) સર્વેક્ષણમાં બીજો ક્રમાંક મેળવનાર સુરત મહાનગર પાલિકામાં દિવા તળે અંધારા જેવી સ્થિતિ નજરે પડી રહી છે. સુરત શહેરના પનોતા પુત્ર અને સુપ્રસિદ્ધ સમાજ સુધારક – કવિ વીર નર્મદની આજે જન્મજયંતિ છે પણ તે પૂર્વે ગાંધી બાગ ખાતે આવેલ તેમની પ્રતિમા પાસે ગંદકીના દ્રશ્યોને પગલે શહેરીજનો તંત્રની ધરાર લાપરવાહી વિરૂદ્ધ ફિટકાર વરસાવી રહ્યા છે. આજે આ જ સ્થળે સુરત મહાનગર પાલિકાના શાસકો વીર નર્મદને શ્રદ્ધાંજલિ સાથે વંદન કરશે પરંતુ તેની સામે જ આવેલા દુર્ગંધ મારતાં ખાબોચિયા સમાન કુંડની સફાઈ માટેની ફુરસદ હજી સુધી તંત્રને મળી નથી.
સુરત મહાનગર પાલિકા દ્વારા કવિ નર્મદની જયંતિ જયંતિની ઉજવણી માટે આજે બે અલગ- અલગ સ્થળો પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 8.30 કલાકે ગોપીપુરામાં આમલીરાન ખાતે આવેલ તેમના નિવાસ સ્થાન સરસ્વતી મંદિર ખાતે અને ત્યારબાદ 9.00 કલાકે ચોક બજારમાં ગાંધી બાગ ખાતે આવેલ તેઓની પ્રતિમાને પણ સુતરાંજલિ સહ વંદના કાર્યકર્મ યોજવામાં આવશે.
જો કે, ગાંધી બાગમાં કવિ નર્મદની પ્રતિમા પાસે બનાવવામાં આવેલ તળાવ મહાનગર પાલિકાની સ્વચ્છતા અંગે કટિબદ્ધતાની ચાડી ખાતું નજરે પડી રહ્યું છે. કવિ નર્મદની પ્રતિમા સામે જ બનાવવામાં આવેલ તળાવમાં દુર્ગંધ મારતું પાણી અને પારાવાર ગંદકીને પગલે અહિંયાથી પસાર થનાર નાગરિકો પણ હેરાન થઈ જાય તેવી સ્થિતિ સર્જાવા પામી છે ત્યારે સુરતના પનોતા પુત્ર કવિ નર્મદની પ્રતિમા પાસે આ પ્રકારના દ્રશ્યો કોઈપણ શહેરીજન માટે આઘાતજનક છે.