રાજ્યમાં પહેલી વાર સુરત ફાયર વિભાગની ગાડીઓમાં ઉભી કરાશે ઓન બોર્ડ ડ્રાઈવર કન્સોલ સિસ્ટમ
ઔદ્યોગિક શહેર સુરતમાં(Surat) મનપાના ફાયર (Fire) વિભાગની કામગીરી રાજ્યના (State) અન્ય શહેરોની તુલનામાં ખૂબ જ વધુ છે. પ્રતિ દિવસ કંટ્રોલ રૂમ પર આગ તથા અન્ય ઘટનાઓના કોલની સંખ્યા પણ આખા રાજ્યમાં સુરત ફાયર કંટ્રોલરૂમમાં સૌથી વધુ રહે છે. તક્ષશિલા કાંડ બાદ મનપાના ફાયર વિભાગને અદ્યતન સાધનો સાથે અપગ્રેડ કરવામાં આવ્યા છે. સાથે જ ફાયર સ્ટેશનોની સંખ્યામાં પણ વધારો કરાયો છે. હાલ શહેરમાં 17 ફાયર સ્ટેશનો કાર્યરત છે જ્યારે 7 ફાયર સ્ટેશનો નિર્માણાધીન છે. માર્ચ-૨૦૨૩ સુધી આ ફાયર સ્ટેશનો પૈકી મોટા ભાગના ફાયર સ્ટેશનોનું લોકાર્પણ થઈ શકે છે.
બીજી તરફ શહેરનું વ્યાપ વધતા મનપા દ્વારા વધુ નવા છ ફાયર સ્ટેશનો બનાવવા માટેનું આયોજન કર્યું છે. હાલ અમદાવાદ અને સુરતમાં ફાયર સ્ટેશનોની સંખ્યા લગભગ સરખી છે. નવા છ ફાયર સ્ટેશનો આગામી નાણાકીય વર્ષમાં બન્યા બાદ રાજ્યમાં સૌથી વધુ ફાયર સ્ટેશનો સાથે સુરત અવ્વલ સ્થાને આવી શકે છે. અમદાવાદની તુલનામાં સુરત મનપાનું કાર્યક્ષેત્ર પ્રમાણમાં ઓછું છે. પરંતુ વસતિ વિસ્ફોટ તથા ઔદ્યોગિક નગરીને કારણે સુરત ફાયર વિભાગની કામગીરી ખૂબ જ વધુ છે.
તદુપરાંત આગ જેવી ઘટનાસ્થળે ફાયર ફાયટરો ઝડપથી પહોંચી શકે તે હેતુથી રાજ્યમાં સૌપ્રથમ વખત ફાયરની તમામ વાહનોમાં ઓન બોર્ડ ડ્રાઇવર કન્સોલ સિસ્ટમ પ્રસ્થાપિત કરવામાં આવશે. જેનાથી કંટ્રોલ રૂમ પરથી મળતા કોલના આધારે ઘટનાસ્થળે જવા માટેની મુવમેન્ટ તથા ટૂંકા માર્ગની માહિતી ડ્રાઇવરને ઉપલબ્ધ થશે. એટલું જ નહીં ઘટનાસ્થળની આસપાસ ફાયર વિભાગના કયા વાહનો ઉપલબ્ધ છે તેની માહિતી પણ કંટ્રોલ રૂમને ઉપલબ્ધ થઇ શકશે.
ઘટનાસ્થળ સુધી પહોંચવાના ટૂંકા રસ્તા તથા નજીકની ફાયર વિભાગની ગાડીઓની માહિતી કંટ્રોલ રૂમ મારફતે ઓનબોર્ડ ડ્રાયવર કન્સોલ સિસ્ટમથી ઉપલબ્ધ હોવાથી તાત્કાલિક ફાયર વિભાગની મશીનરી ઝડપથી ઘટનાસ્થળ સુધી પહોંચી શકશે. એટલું જ નહીં ઓન વ્હીલ કેમેરા મારફતે ઘટનાસ્થળની રિયલ ટાઈમ મોનીટરીંગ સિસ્ટમ પણ ઉભી કરાશે એટલે કોલ મળ્યા બાદ ફાયર વિભાગની ગાડીઓ કયા સમયે ઘટનાસ્થળે પહોંચી તે અંગેની પણ ચોક્કસ માહિતી ઉપલબ્ધ થઇ શકશે.