સુરત કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલીવાર વિપક્ષ નેતાની જવાબદારી મહિલાને સોંપાઈ
સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષ એવા આમ આદમી પાર્ટીએ (AAP) પ્રથમ વખત મહાનગર પાલિકાના વિપક્ષી નેતા તરીકે એક મહિલાની નિમણૂક કરી છે. સુરત મહાનગરપાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત વિપક્ષના નેતા તરીકે મહિલાની નિમણૂંક કરવામાં આવી છે. અગાઉ 12 સપ્ટેમ્બરે મળેલી સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીએ શાસક પક્ષના નેતા તરીકે શશીબેન ત્રિપાઠીની નિમણૂક કરી હતી. સુરત મહાનગરપાલિકામાં શાસક પક્ષ અને વિપક્ષ બંને પક્ષના નેતાઓના હોદ્દા પર મહિલાઓની નિમણૂક કરવામાં આવી હતી.
સુરત મહાનગર પાલિકામાં વિરોધ પક્ષના નેતા અને ઉપનેતાની પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. સૌથી યુવા કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા પાયલ સાકરિયાને મહાનગર પાલિકામાં વિપક્ષી નેતા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે મહેશ અનઘન વિપક્ષના ઉપનેતા તરીકે ચૂંટાયા છે.
સુરત મહાનગરપાલિકાના ઈતિહાસમાં અગાઉ મુમતાઝ જમાદારને વિરોધ પક્ષના ઉપનેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે અત્યાર સુધી વિપક્ષના નેતા તરીકે માત્ર પુરૂષ કાઉન્સિલરને જ પ્રાધાન્ય આપવામાં આવતું હતું, પરંતુ પ્રથમ વખત મહિલા કાઉન્સિલરને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. જ્યારે રચના હીરપરાને દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.