Surat:ઉધના વિસ્તારમાં દીન દહાડે ભંગારના વેપારી પર ફાયરિંગ
સુરતના ઉધના વિસ્તારમાં દીન દહાડે ફાયરિંગની ઘટના: બે અજાણ્યા ઇસમો એક વ્યક્તિ પર ફાયરિંગ કરી ફરાર
સુરત શહેરના ઉધના વિસ્તારમાંથી ફાયરિંગની ઘટના સામે આવી છે. જ્યાં ઉધના રોડ નંબર નવ ઉપર બે અજાણ્યા શખ્સોએ બાઈક પર આવી એક ઇસમ પર ફાયરિંગ કરી ભાગી છુટ્યા હતા. બનાવ અંગેની જાણ થતા ઉધના પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. અને તપાસ હાથ ધરી છે.તો બીજી તરફ દિન દહાડે બનેલી ફાયરિંગની ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ ઊભો થયો છે.
સુરત શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે.કારણ કે શહેરમાં હવે ચોરી, લૂંટફાટ ,ચિલ ઝડપ ,અપહરણ, બળાત્કાર, હત્યાની ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ હોય તેમ રોજબરોજ આ પ્રકારના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજરોજ સવારના સમયે ફરી એક ઘટના બનવા પામી છે જ્યાં સરા જાહેર દિન દહાડે એક ઇસમ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. સુરતના ઉધના વિસ્તારમાં રોડ નંબર નબર 9 ઉપર સવારના સ્વા દસ વાગ્યા ના અરસામાં એક જાવેદ સલીમ શાહ નામના ઈસમ પર બે અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કર્યું હતું. અને ત્યારબાદ બંને અજાણ્યા શખ્સ ભાગી છૂટ્યા હતા. જાવેદ સલીમ પોતાના ભંગારની દુકાન આગળ ઉભા હતા તે દરમિયાન બાઈક પર આવેલા ઈસમોએ તેમના પર નિશાનો સાંધ્યો હતો. જોકે સદનસીબે ફાયરિંગ કરનારાઓ નિશાનો ચૂકી જતા કોઈને પણ ઈજા પહોંચી ન હતી. પરંતુ જાહેરમાં ફાયરિંગની ઘટના બનતા સ્થાનિકો ગભરાઈ ગયા હતા અને આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના અંગેનો કોલ મળતા ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
વધુમાં મળતી માહિતી મુજબ જાવેદ સલીમ પર અંગત ઝઘડાની અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.પરંતુ ફાયરિંગની આ સમગ્ર ઘટના અંગે હજી સુધી કોઈ જ વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી.