સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ પદે ભાવિની પટેલ અને ઉપપ્રમુખ પદે રોહિત પટેલની વરણી
સુરત મહાનગર પાલિકાના પદાધિકારીઓની વરણી બાદ ભારતીય જનતા પાર્ટી(BJP) દ્વારા સંકલનની બેઠકમાં જિલ્લા પંચાયતના પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા પંચાયતમાં પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં આજરોજ નવા પદાધિકારીઓ પૈકી જિલ્લા પંચાયત પ્રમુખ પદે ભાવિની પટેલની જ્યારે ઉપપ્રમુખ પદે રોહિત પટેલની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે કારોબારી અધ્યક્ષ તરીકે જીતેન્દ્ર પટેલ અને શાસક પક્ષના નેતા તરીકે રવજી વસાવાની નિમણૂંક કરવામાં આવી છે.
સુરત જિલ્લા પંચાયતનીસામાન્ય સભા પૂર્વે ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળ દ્વારા નવા પદાધિકારીઓના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવતાં અત્યાર સુધી ચાલી રહેલા તમામ તર્ક – વિતર્ક પર પૂર્ણ વિરામ મુકાઈ જવા પામ્યું છે. ભાજપ સંકલનની બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પદે વર્તમાન શિક્ષણ સમિતિના ચેરમેન અને કારેલી મત વિસ્તારના સભ્ય ભાવિની અતુલ પટેલની વરણી કરવામાં આવી છે.
આ સિવાય જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ અને ગોદાવાડીના સભ્ય રોહિત મનહર પટેલની ઉપપ્રમુખ પદે અને સુરાલીના સભ્ય જીતેન્દ્ર ડાહ્યા પટેલની કારોબારી અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ સિવાય ખોલવડના સભ્ય રવજી સોમાભાઈ વસાવાની શાસક પક્ષના નેતા તરીકે અને દંડક તરીકે નવાગામના સભ્ય મુકેશ રાઠોડની નિમણૂંક કરવામાં આવી છે. આજે આ તમામે તમામ હોદ્દેદારો જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પદભાર ગ્રહણ કરશે.
જો કે, ભાજપ દ્વારા નામોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવતાં નવનિયુક્ત પદાધિકારીઓને શુભકામનાઓ આપવા માટે શુભેચ્છકોના ટોળા ઉમટી પડ્યા હતા.