સુરત મહાનગરપાલિકાની આવક વધારવા ફાયર NOC અને ઇન્સ્પેક્શન ચાર્જ વધારવા તજવીજ
સુરત મહાનગર પાલિકાના ફાયર ઇમરજન્સી વિભાગ દ્વારા ફાયર ઇન્સપેકશન ચાર્જ તથા ફાયર એનઓસી ચાર્જ વધારવા માટે સ્ટેન્ડીંગ કમિટી પાસે મંજૂરી માંગી છે. ફાયર ઇન્સપેકશન ચાર્જ 2001 બાદ તો એનઓસી ચાર્જ 2006 પછી બદલાશે. જેનાથી પાલિકાની આવકમાં વધારો થશે.
પાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા શહેર હદ વિસ્તાર અને શહેર હદ બહારના વિસ્તારમાં આવેલ રેસીડેન્શીયલ, કોમર્શીયલ તથા ફેકટરીઓ ખાતે ફાયર સિસ્ટમનું ઇન્સપેકશન કરી ફાયર એન.ઓ.સી આપે છે. આ ઇન્સપેકશન માટે શહે૨ હદ વિસ્તાર માટે રૂા.500 તેમજ શહે૨ હદ વિસ્તાર બહાર માટે 1 હજારનો ચાર્જ પાલિકા દ્વારા વસુલ કરવામાં આવે છે.
આ ચાર્જનો દર વર્ષ 2001માં નક્કી કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઇન્સપેકશન ચાર્જમાં વધારો કરાયો નથી. વર્ષ 2001 બાદ શહેરમાં રહેણાંક, બિનરહેણાંક મિલકતોની સંખ્યા વધી છે. જેથી ઇન્સપેકશન ચાર્જમાં વધારો કરવામાં આવે તો પાલિકાની આવકમાં પણ વધારો થઇ શકે છે. આ દર અન્ય મહાનગર પાલિકા કરતા ખૂબ જ ઓછો છે.
અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસીંગ ડીપાર્ટમેન્ટના નવા નોટીફીકેશન મુજબ ફાયર એન.ઓ.સી મેળવવા માટે અરજદારે સ્થળ તપાસના રૂા.2500 ચાર્જ અને ફાયર એનઓસી ચાર્જ પેટે રૂા.1 હજાર વસુલવાની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે ફાયર એનઓસીમાં નવી ઇમારતો માટે ઇસ્યુ કરવામાં આવતા એનઓસીની વેલીડીટી 2 વર્ષ અને રીન્યુઅલ એનઓસીની વેલિડિટી 2 વર્ષ રાખવામાં આવી છે. જે મુજબ ફાયર ઇન્સપેકશન ચાર્જ અને એનઓસી ચાર્જ માટેના નવા દર નક્કી કરવા માટે સ્ટેન્ડીંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આજે મંગળવારે મળનાર સ્ટેન્ડીંગની બેઠકમાં આ કામ સંદર્ભે નિર્ણય લેવાશે