Surat: કોવિશિલ્ડના ખુલાસા બાદ શહેરીજનોમાં પણ ચિંતાની લાગણી: સુરતમાં 81.66 લાખ લોકોએ કોવિશિલ્ડની રસી મુકાવી હોવાનો ઘટસ્ફોટ
સુરતમાં 38 લાખથી વધુ નાગરિકોએ પહેલો ડોઝ અને 35 લાખ નાગરિકોએ બંને ડોઝ જ્યારે આઠ લાખ નાગરિકોએ બુસ્ટર ડોઝ પણ મુકાવ્યા
(પ્રતિનિધિ) સુરત, તા. 30 કોવિશીલ્ડ રસી મુદ્દે કંપની દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવતાં સમગ્ર દેશમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. કોરોના મહામારી સામે શરૂ કરવામાં આવેલ વેક્સીનેશન અભિયાન અંતર્ગત સુરત સહિત દેશભરમાં કરોડોની સંખ્યામાં લોકોએ કોવિશીલ્ડ વેક્સીન મુકાવી હતી. જો કે, હવે વેક્સીનને પગલે લોહીમાં ગાંઠો પડવાથી મોત થતાં હોવાના આક્ષેપો વચ્ચે કંપની દ્વારા સાઈડ ઈફેક્ટની વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અલબત્ત, સુરત શહેર – જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી યુવકોના શંકાસ્પદ મોતને પગલે આ પ્રકારના આક્ષેપો ઉઠવા પામ્યા હતા. બીજી તરફ સુરત શહેરમાં જ 38 લાખથી વધુ નાગરિકોને કોવિશીલ્ડના ડોઝ આપવામાં આવ્યા હોવાની ચોંકાવનારી માહિતી સાંપડી છે.
સુરત શહેર – જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગરબા રમતાં, મોર્નિંગ વોક પર નીકળેલા અને સામાન્ય કામ કરી રહેલા યુવકોના પણ ઢળી પડતાં મોત નિપજવાના સમાચારો સામે આવી રહ્યા હતા. કોઈપણ પ્રકારની બિમારી ન હોવા છતાં અચાનક મોતને ભેટનારા યુવકોને પગલે શહેરમાં એક તબક્કે ચર્ચાનો દૌર શરૂ થયો હતો. જો કે, કોઈ આધારભુત માહિતી અને આ સ્થિતિ અંગેનો અભ્યાસ ન હોવાને કારણે આ પ્રકારની ઘટનાઓને પણ એક તબક્કે સામાન્ય ગણી લેવામાં આવી છે. બીજી તરફ હવે કોરોના મહામારી સામે બ્રહ્માસ્ત્ર ગણાતી કોવિશિલ્ડ વેક્સીનથી હાર્ટ એટેકના જોખમના સમાચારોને પગલે શહેરીજનોમાં પણ ભયનો માહોલ પ્રસરી ગયો છે. બે વર્ષ બાદ બ્રિટિશ કોર્ટમાં કંપની દ્વારા આ અંગેનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને હવે આ વાત જગજાહેર થઈ ચુકી છે. કંપનીના જણાવ્યા અનુસાર થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમને કારણે, શરીરમાં લોહી ગંઠાવા લાગે છે અથવા શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે. શરીરમાં લોહી ગંઠાઈ જવાના કારણે બ્રેઈન સ્ટ્રોક અથવા હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં જ 38.66 લાખ નાગરિકોએ કોવિશિલ્ડનો પહેલો ડોઝ લીધો છે જ્યારે 35 લાખથી વધુ નાગરિકોએ કોવિશિલ્ડના બંને ડોઝ લીધા છે. આ સિવાય આઠ લાખ જેટલા નાગરિકોએ કોવિશિલ્ડનો બુસ્ટર ડોઝ લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે. જેને પગલે સુરતમાં કોવિશિલ્ડના ડોઝ લેનારા નાગરિકોમાં હવે ચિંતાનું મોજું પ્રસરી વળ્યું છે.
સુરતમાં શંકાસ્પદ મોત અંગે કોઈ ડેટા નથી
સુરત શહેર – જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી 20થી 40 વર્ષના યુવકોના શંકાસ્પદ મોતની ઘટનાઓ છાશવારે નોંધાઈ રહી છે. નખમાં પણ રોગ ન હોય તેવા યુવકોને સામાન્ય કામ દરમિયાન પણ અચાનક ઢળી પડતાં મોતને ભેટ્યા હોવાને કારણે એક તબક્કે કોરોના મહામારીને પગલે આવી ઘટનાઓ બની રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. અલબત્ત, જે તે સમયે તબીબોથી માંડીને સરકાર દ્વારા પણ આ મુદ્દે સ્પષ્ટતા કરી દેવામાં આવી હતી અને જેને પગલે સુરતમાં શંકાસ્પદ મોતમાં કેટલા યુવકોએ કોવિશિલ્ડની રસી મુકાવી હતી કે તેમને કોરોના થયો હતો કે નહીં તેવી કોઈ ચોક્કસ માહિતી હાલમાં ઉપલબ્ધ નથી.
સામાન્ય સભામાં પણ મુદ્દો ગાજ્યો હતો
સુરત સહિત રાજ્યમાં સતત વધી રહેલા શંકાસ્પદ મોતને પગલે જે તે સમયે સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભામાં પણ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણધડ અને રચના હિરપરા દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં કોરોના મહામારી અને વેક્સીનેશનને પગલે શંકાસ્પદ મોત અંગેના આક્ષેપ કરવાની સાથે સાથે નિષ્ણાંત તબીબોની ટીમ બનાવીને વિશ્લેષણ કરવાની માંગ કરવામાં આવી હતી. અલબત્ત, શાસકો દ્વારા આ આક્ષેપોને પગલે ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો અને વિરોધ પક્ષને નાગરિકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા હોવાની સાથે દેશના વૈજ્ઞાનિકોનું અપમાન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું હતું.