Surat : સિટી બસ – બીઆરટીએસના બસ ચાલકો ફાયર એક્સ્ટીગ્યુશરના ઉપયોગ અંગે જ અજાણ

0

સુરત મહાનગર પાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસોમાં છાશવારે આગ લાગવાની ઘટનાને પગલે એક તરફ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા ઉચ્ચાધિકારીઓની એક કમિટીની રચના કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ સિટી બસ અને બીઆરટીએસ બસોમાં કાર્યરત ચાલકો જ આગ જેવી હોનારત વખતે ફાયર એક્સ્ટીગ્યુશરના ઉપયોગ અંગે પોતાની અસમર્થતા વ્યક્ત કરી રહ્યા છે.

છેલ્લા એક પખવાડિયામાં જ સુરત શહેરમાં દોડતી ત્રણ બસોમાં આગ ફાટી નીકળવાની ઘટના નોંધાવા પામી છે. અલબત્ત, છેલ્લા એક વર્ષ દરમ્યાન 10 જેટલી હોનારતને પગલે ખુદ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા પણ આ પ્રકારની ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં એડિશનલ સિટી ઈજનેર ખતવાણી, ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ, આરટીઓ અધિકારી મેહુલ ગજ્જર અને એસવીએનઆઈટીના મિકેનિકલ ફેકલ્ટીના હેડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ટીમ દ્વારા વહેલી તકે સિટી બસ અને બીઆરટીએસ બસોમાં સતત નોંધાઈ રહેલી અગ્નિકાંડ જેવી દુર્ઘટનાઓ પાછળના કારણો અને તેને અટકાવવા માટેનો રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. જો કે, આ તપાસ કમિટીનો રિપોર્ટ આવે ત્યાર બાદ આ દિશામાં અમલીકરણ શરૂ કરવામાં આવશે પરંતુ ખાટલે સૌથી મોટી ખોડ એ છે કે સિટી બસો અને બીઆરટીએસ બસોમાં અગ્નિકાંડ જેવી હોનારતમાં સૌથી વધુ મહત્વપૂર્ણ સાબિત થનારા ફાયર એક્સ્ટીગ્યુશરનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે તે અંગે ખુદ મોટા ભાગના ચાલકો અજાણ છે. બસમાં સામાન્ય આગ લાગે ત્યારે જો પ્રાથમિક તબક્કે જ ફાયર એક્સ્ટીગ્યુશરનો ઉપયોગ કરવામાં આવે તો મોટી હોનારત ટાળી શકાય તેમ છે પરંતુ આ અંગે ચાલકોને કોઈપણ પ્રકારની વિશેષ ટ્રેનિંગ ન આપવામાં આવતાં આ અંગે ચાલકોમાં પણ અવઢવ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં રોજીંદા એક લાખથી વધુ મુસાફરો શહેરભરમાં દોડતી સિટી બસ અને બીઆરટીએસ બસ સેવાનો નિરંતર લાભ લઈ રહ્યા છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી સતત આ પ્રકારની હોનારતને પગલે મુસાફરોમાં પણ હવે સિટી બસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી કરતાં પહેલા ચિંતા જોવા મળી રહી છે. જેને પગલે હવે વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારની હોનારતો પર કાબુ મેળવવા માટે તપાસ કમિટી બનાવવામાં આવી છે અને સંભવતઃ વહેલી તકે આ કમિટી દ્વારા રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યા બાદ બસોમાં છાશવારે લાગતી આગની ઘટનાઓ રોકવા અંગે આવશ્યક પગલાં ભરવામાં આવશે.

ચાલકો માટે સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરાશેઃ કમલેશ નાયક

ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક દ્વારા આ સંદર્ભે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, સિટી બસ અને બીઆરટીએસ બસમાં ફરજ બજાવતાં ચાલકો માટે અગ્નિકાંડ જેવી હોનારતો વખતે ફાયર એક્સ્ટીગ્યુશરના ઉપયોગ અંગે વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. મનપાના ફાયર વિભાગ સાથે સંકલન કરીને વહેલી તકે શહેરની તમામ સિટી બસો અને બીઆરટીએસ બસોના ચાલકોને આ અંગે ટ્રેનિંગ પણ આપવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ફાયર એક્સ્ટીગ્યુશરમાં એક્સપાયરી ડેટ અંગે તંત્ર દ્વારા કોઈપણ લાપરવાહી દાખવવામાં આવતી નથી અને એક્સપાયરી ડેટ પૂર્ણ થાય તે પહેલા જ રેકોર્ડના આધારે તેનું રિફિલિંગ કરી દેવામાં આવતું હોય છે.

ફાયર એક્સ્ટીગ્યુશરમાં એક્સપાયરી ડેટ પણ અદ્રશ્ય

શહેરના તમામ વિસ્તારોમાં દોડતી સિટી બસો અને બીઆરટીએસ બસોમાં મનપા દ્વારા તકેદારીના ભાગરૂપે મુકવામાં આવેલા ફાયર એક્સ્ટીગ્યુશરોમાં એક્સપાયરી ડેટના પણ ઠેકાણાં નથી. નિયમિત રીતે આ સાધનોની સાફ સફાઈ ન કરવામાં આવતાં તેના પર લગાવવામાં આવેલ એક્સપાયરી ડેટના સ્ટીકરો પણ અદ્રશ્ય થઈ ચુક્યા છે. જેને પગલે જો અગ્નિકાંડ જેવી હોનારત વખતે ફાયર એક્સ્ટીગ્યુશરની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય તો તેના ઉપયોગનો કોઈ અર્થ રહેતો નથી.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *