સચીનમાં બાળકી પર બળાત્કાર-હત્યા કેસમાં 11 દિવસમાં ચાર્જશીટ દાખલ : જલ્દી થશે સજાની સુનાવણી
સચિન(Sachin) કપ્લેથાગામ ખાતે 2 વર્ષની માસુમ બાળા સાથે રેપ (Rape) વીથ મર્ડર કેસમાં બનાવાયેલી એસ.આઈ.ટી.ની ટીમે માત્ર 11 દિવસના સમયગાળામાં તપાસ હાથ ધરીને આજે કોર્ટમાં 432 પાનાની ચાર્જશીટ કરી દીધી હતી. જેમાં 78 જેટલા સાક્ષીઓના નિવેદનો પણ પોલીસે લીધા હતા. પોલીસે જે-તે સમયે ઈસ્માઈલ ઉર્ફે યુસુફ હજાતની ધરપકડ કરી હતી.
ગઈ તારીખ 27 ફેબ્રુઆરીના રોજ સચિનના ચોર્યાસી તાલુકાના કપ્લેથાગામમાં શ્રમજીવી પરિવારની બે વર્ષની દિકરીને કપ્લેથાગામના સરકારનગરમાં રહેતો ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાત(ઉ.વ.23) વેફર્સ અપાવવાના બહાને લઈ ગયો હતો. અને ઘર નજીક આવેલા એન.આર.આઈ. શહીદ પટેલના બંધ પડેલા બંગ્લામાં ઈસ્માઈલ બાળકીને લઈ ગયો હતો.
બંગ્લાના પાછળના ભાગે આવેલા વાડામાં યુસુફ ઉર્ફે ઈસ્માઈલ હજાતે માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઈસ્માઈલે બાળકી સાથે હેવાનીયત આચરી ભાગી છૂટ્યો હતો. નરાધમ ઈસ્માઈલ ઉર્ફે યુસુફે એટલી હદે બાળકી સાથે હેવાનીયત આચરી હતી કે માસુમના બંને ગુપ્ત ભાગે ડિસ્ટ્રોઈ થઈ ગયા હતા અને સતત બ્લીડીંગ થવાથી બાળકી મોતને ભેટી હતી. સચિન પોલીસ અને ગ્રામવાસીઓએ આરોપી ઈસ્માઈલને કપલેથા ચેક પોસ્ટ પાસેથી ઝડપી પાડ્યો હતો.
આ પ્રકરણમાં પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ડીસીપી રૂપલ સોલંકી અને પીનાકીન પરમારના નેતૃત્વમાં એક એસઆઈટીની રચના કરી હતી. આ ટીમ દ્વારા યુસુફ ઈસ્માઈલ હજાત સામે પુરતા પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા અને 11 દિવસના સમયગાળામાં 432 પાનાની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજુ કરી દીધી હતી. પોલીસે આ કેસમાં 78 જેટલા સાક્ષીઓના નિવેદનો પણ લીધા હતા.