Surat:પટેલ સમાજના બ્રેઈનડેડ શીવાભાઈ ખાતરાના અંગદાનથી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું
ડાયમંડ નગરી, ટેક્સટાઈલ હબ, બ્રીજ સીટી તરીકેની ઓળખ ધરાવતું સુરત શહેર હવે ઓર્ગન ડોનેશન સીટી તરીકે પણ ખ્યાતી પામી રહ્યું છે. સુરતમાં પટેલ સમાજના બ્રેઈનડેડ શીવાભાઈ ખાતરાના પરિવારે તેઓના ચક્ષુ, કિડની અને લિવરનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા બીજુ અંગદાન સુરતની એઇમ્સ હોસ્પિટલ માંથી કરાવવામાં આવ્યું હતું
મૂળ રાજકોટ તાલુકાના ગોંડલ તાલુકાના દેરડી [કુંભાજી] ગામના વતની અને હાલમાં સુરતના સીમાડા વિસ્તારમાં આવેલી ધર્મરાજ સોસાયટીમાં રહેતા શિવાભાઈ ખીમજીભાઈ ખાતરા (ઉંમર – 63 વર્ષ) ને પરિવારમાં ૩ દીકરી અને ૧ દીકરો છે. તેઓના પત્નીનું કોરોનામાં નિધન થયું હતું
ગત ૧૫ ફેબ્રુઆરીના રોજ શિવભાઈએ માથામાં દુઃખાવાની ફરિયાદ કરી હતી અને તેઓને ઘરે જ ઉલટીઓ થવા માંડી હતી જેથી પરિવારના સભ્યો સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા જ્યાંથી વિશેષ નિદાન માટે તેઓને સુરતની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેઓની સારવાર શરુ થતા પણ હાલતમાં સુધારો થતો ન હતો અને તા.16/2/2023, સમય સાજે 6 કલાકે તેઓને ડૉ. રાકેશ ભરોડીયા, ડૉ. હિતેશ ચિત્રોડા, ડૉ. મિલિન સોજીત્રા, ડૉ. રાજેશ રામાણી, ડૉ. હર્ષિત પટેલ દ્વારા બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
શિવાભાઈના પુત્ર મેહુલભાઈના મિત્ર જયેશભાઈ મોવલીયા તથા કાનજીભાઈ ભાલાળાએ (જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પી.એમ.ગોંડલીયાનો સંર્પક કરાવ્યો હતો અને ત્યારબાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટીમ દ્વારા તેમના પરિવાર જનોની અને એઈમ્સ હોસ્પિટલ-સુરતની મુલાકાત લીધી હતી અને ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવ્યું હતું જેમાં પરિવારે બ્રેઈન ડેડ પિતાના ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય મક્કમ કર્યો હતો
ગુજરાત સરકારની SOTTO સંસ્થા દ્વારા ઝાયડ્સ હોસ્પીટલ, અમદાવાદ દ્વારા ડો. આનંદ ખાખર, ડો.યશ પટેલ, કોર્ડીનેટર-રાજુભાઈ ઝાલા બને કિડની અને એક લિવરનું દાન SOTTO દ્વારા સ્વીકારવામાં આવેલ હતું. અને બંને આંખોનું દાન લોક્દ્રષ્ટિ ચક્ષુબેંક, સુરતના ડૉ. પ્રફુલભાઈ શિરોયાના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું. અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયામાં પુત્ર મેહુલભાઈ , ત્રણ દીકરી – જમાઈઓ અને તેમના પરિવારજનો, અને સમગ્ર એમ્સ હોસ્પિટલ,સુરત સ્ટાફનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.
પી. એમ. ગોંડલિયા(ફાઉન્ડર, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન) તથા વિપુલ તળાવીયા (ટ્રસ્ટી-જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ) તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ટીમ અને એઈમ્સ હોસ્પિટલ સ્ટાફ પરિવારના સંકલનથી આ સફળ ઓર્ગન ડોનેશન સુરત ખાતેથી કરવામાં આવ્યું હતું. આ સંસ્થાના માધ્યમથી ઓર્ગન ડોનેશનની અવેરનેસ લાવવા ગ્રીન કોરીડોરની તિરંગા અને રાષ્ટ્રીય નારા સાથે શીવાભાઈનાં સમગ્ર પરિવાર, મહેશભાઈ સવાણી, અંકિત કળથીયા, નીતિન ધામેલીયા, જ્સ્વીન કુંજડીયા, ડો. પૂર્વેશ ઢાંકેચા, બીપીન તળાવીયા, વેજુલ વિરાણી, ચિરાગ બાલધા, રાહુલ માંડણકા એ હાજર રહી પ્રસ્થાન કરાવ્યું હતું.
વિશેષ વિપુલ તળાવીયાએ જણાવ્યું હતું કે, અંગદાન જાગૃતિના અભિયાન માટે હરહંમેશ અવનવા પ્રયત્નો સંસ્થા દ્વારા કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે ફરી એક અંગદાન સુરત થી મળ્યું હતું.
વધુમાં ઓર્ગન ડોનેશન સમય સર પહોંચી શકે તેવા ઉમદા હેતુ થી ગણતરીની મિનિટમાં સમગ્ર ગ્રીન કોરિડોર માટે સુરત, ગુજરાત પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. તેમજ તા.17/02/2023 બપોરે ૨:૧૫ એઈમ્સ હોસ્પિટલ, સુરત થી ૨:૩૭ સુરત એરપોર્ટ પહોંચ્યા હતા, ૨:૪૫ (ફ્લાઈટ) સુરત એરપોર્ટ થી ૩:૪૫ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા અને એરપોર્ટ થી ૪:૦૦ કલાકે ઝાયડ્સ હોસ્પિટલ, થલતેજ, અમદાવાદ પહોંચ્યા હતા, ૪:૧૦ મીનીટે ટ્રાન્સપ્લાન્ટ માટે ઓપરેશન શરુ કરવામાં આવ્યુ હતું. આમ ૨૪૫ કિમીનો રૂટ ૧ કલાક ૩૫ મિનીટમાં પૂર્ણ કરવામાં આવ્યું હતો