તરણકુંડ બચાવવા માટે ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નીતિન ભજીયાવાલાની રજુઆત
સુરત મહાનગર પાલિકા ચોપાટી (Chopati) ખાતે આવેલ શહેરના પહેલા બાળ સ્વિમિંગ પુલ(Swimming Pool) મેટ્રો પ્રોજેક્ટ માટે ગોડાઉન ફાળવવાના નિર્ણયને પગલે ભારે વિવાદ સર્જાવા પામ્યો છે. એક તરફ આ તરણકુંડને બચાવવા માટે અલગ – અલગ સંસ્થાઓ દ્વારા શાસકો સમક્ષ ઉગ્ર રજુઆત કરવામાં આવી છે ત્યારે હવે ખુદ ભાજપના નેતાઓ દ્વારા જ આ નિર્ણય અંગે પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળા દ્વારા આ અંગે મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરવામાં આવતાં હવે આગામી દિવસોમાં આ અંગે વિવાદ વધુ વકરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળા દ્વારા કમિશનરને કરવામાં આવેલી રજુઆતમાં જણાવ્યા મુજબ વિનાયક જરીવાલા બાળ તરણ કુંડને તુટતો અટકાવવા માટે મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે અન્ય સ્થળે ગોડાઉન માટે જમીન ફાળવવા રજુઆત કરવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સંત શ્રી હરિઓમ આશ્રમના સ્થાપક શ્રી પૂજ્ય મોટા દ્વારા 1967માં 2.20 લાખ રૂપિયાનું દાન આપી તરવૈયાઓ અને શહેરીજનોના હિતમાં તરણ કુંડ બનાવવામાં આવ્યો હતો. અઠવા લાઈન્સ ખાતે આવેલ શહેરના આ પહેલા તરણકુંડ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ફાળવવાનો નિર્ણય કરવામાં આવતાં તરવૈયાઓ સહિત શહેરીજનોમાં પણ ભારોભાર રોષ ફેલાઈ રહ્યો છે ત્યારે હવે બાળકો માટે ઉપયોગી એવા આ તરણકુંડને તુટતો અટકાવવા માટે મેટ્રો પ્રોજેક્ટના ગોડાઉન માટે અન્ય સ્થળે જમીનની ફાળવણી અંગે પણ તેઓએ રજુઆત કરી છે.