એશિયા કપ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે આ ખિતાબ માટે થશે મુકાબલો : ટીમ ઇન્ડિયા કરશે હિસાબ બરાબર
એશિયા કપમાં(Asia Cup) ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે. આ મેચ 2 સપ્ટેમ્બરે રમાવાની છે. ટીમ ઈન્ડિયા આ મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. પરંતુ આ પહેલા પણ ક્રિકેટ ચાહકોને ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્પર્ધા જોવા મળશે. ભારતની પુરૂષ બ્લાઇન્ડ ક્રિકેટ ટીમે IBSA વર્લ્ડ ગેમ્સ T20ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે જ્યાં તેનો સામનો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. ભારતે સેમિફાઇનલ મેચમાં બાંગ્લાદેશને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલ મેચ સાત વિકેટે જીતી લીધી હતી.
શુક્રવારે રમાયેલી સેમિફાઇનલમાં ભારતીય ટીમના બોલરોએ બાંગ્લાદેશને 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 144 રનમાં રોકી દીધું હતું. ટીમ ઈન્ડિયાએ આ ટાર્ગેટ 18 બોલ પહેલા હાંસલ કરી લીધો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે એજબેસ્ટન ક્રિકેટ સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાશે.
🏆 Clash of Titans! 🇮🇳 India vs. 🇵🇰 Pakistan in the finals of the IBSA World Games. 🔥 Get ready for an epic showdown! 🏏#IBSAWorldGames #CricketFever #RivalryRenewed #TeamIndia #worldblindgames2023 #blindcricket pic.twitter.com/pMy57suYSC
— Cricket Association for the Blind in India (CABI) (@blind_cricket) August 25, 2023
ભારતીય બોલરોએ અંતિમ ઓવરોમાં શાનદાર રમત બતાવી હતી. પ્રથમ નવ ઓવરમાં બાંગ્લાદેશે બે વિકેટ ગુમાવીને 62 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશને સારી શરૂઆત મળી હતી અને એવું લાગી રહ્યું હતું કે તેઓ મજબૂત સ્કોર નોંધાવી શકશે. પરંતુ ભારતીય બોલરોએ અંતિમ ઓવરોમાં જોરદાર રમત બતાવી અને બાંગ્લાદેશને વધુ આગળ વધવા ન દીધું. ટીમ 150ના આંકડાને પણ સ્પર્શી શકી નથી. સુનિલ રમેશ અને નરેશભાઈ બાલુભાઈ તુમડાની ભાગીદારીના કારણે ભારતે 145 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. બંનેએ 68 રનની ભાગીદારી કરી ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મદદ કરી હતી.
ટીમ ઈન્ડિયા બદલો લેશે
ફાઇનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થવાનો છે અને આ સાથે ભારતીય ટીમ પોતાની જૂની હારનો બદલો લેવા માંગશે. આ ટૂર્નામેન્ટના લીગ તબક્કામાં ભારત અને પાકિસ્તાનની ટીમો ટકરાયા છે અને તે મેચમાં પાકિસ્તાને ભારતને 18 રને હરાવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયા એ હારનો બદલો લઈને પાકિસ્તાનનું ટાઈટલ જીતવાનું સપનું તોડવા ઈચ્છશે.
મહિલા ટીમ પણ ફાઇનલમાં
પુરૂષ ટીમ પહેલા ભારતની મહિલા ટીમ પણ ફાઇનલમાં જગ્યા બનાવી ચુકી છે. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. હવે મેન્સ ટીમે પણ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. મહિલા ટીમ પણ શનિવારે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ પણ એજબેસ્ટન ખાતે રમાશે.