સુરતની મહિલા સાથે દુષ્કર્મ કેસમાં આસારામને કોર્ટે દોષિત ઠેરવ્યા: છ આરોપીઓ નિર્દોષ જાહેર
બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા સંત આસારામ બાપુને ગાંધીનગરની કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. ગાંધીનગર કોર્ટે આસારામ બાપુને મહિલા પર બળાત્કારના કેસમાં દોષિત ઠેરવ્યા છે. આ કેસ 2013માં નોંધાયો હતો. સેશન્સ કોર્ટના ન્યાયાધીશ ડીકે સોનીએ મંગળવારે માટે સજાની માત્રા પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.
શું છે મામલો, શું કહ્યું કોર્ટે?
તમને જણાવી દઈએ કે સુરતની આ ઘટના વર્ષ 2013ની છે. આસારામ 6 ઓક્ટોબર 2013ના રોજ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો ત્યારે સરકાર તરફથી 55 સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા.અને સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ત્યારથી મામલો ચાલી રહ્યો હતો. આ કેસમાં આસારામ સિવાય તેમની પત્ની લક્ષ્મી, પુત્રી ભારતી અને ચાર મહિલા અનુયાયી ધ્રુવબેન, નિર્મલા, જસ્સી અને મીરા આરોપી છે. સુનાવણી બાદ કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યા પરંતુ સજાની જાહેરાત કરી નથી ત્યારે આવતીકાલે સજા અંગે નિર્ણય આપવામાં આવશે તેમ જણાવાયું હતું.જ્યારે અન્ય છ આરોપીઓને નિર્દોષ ઘોષિત કર્યા છે.
રાહતની આશા ઓછી
ઉલ્લેખનીય છે કે આસારામ બળાત્કારના અન્ય એક કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. હાલ તે જોધપુર જેલમાં બંધ છે.જો કે આ પહેલા જ્યારે પણ આસારામને કોર્ટમાંથી રાહત મળવાની આશા રાખવામાં આવી છે ત્યારે તેમને આંચકો લાગ્યો છે. ગયા વર્ષે નવેમ્બરમાં પણ આસારામની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આસારામે કહ્યું હતું કે તેમની વૃદ્ધાવસ્થા અને ખરાબ તબિયતને કારણે તેમને જામીન મળવા જોઈએ. પરંતુ કોર્ટે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેમ કર્યું ન હતું. હવે એક તરફ એ જૂના કેસમાં સજા થઈ રહી છે તો અહીં સુરતના કેસમાં પણ સજાની જાહેરાત થવા જઈ રહી છે. એટલે કે આસારામને લાંબા સમય સુધી કોઈ રાહત મળવાની નથી.