લીંબાયત ઝોનમાં ઉકરડાં બનેલા સ્થળો પર પાલિકાએ દંડાત્મક બેનર લગાવતા જ સ્થાનિકો સુધર્યા
સુરત શહેરમાં સતત વકરી રહેલા રોગચાળા વચ્ચે મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સઘન સફાઈ અભિયાન સહિત ડોર ટુ ડોર ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ સિવાય શહેરના મોટા ભાગના વિસ્તારોમાં જ્યાં નિયમિત રીતે સ્થાનિકો દ્વારા ગંદકી કરવામાં આવતી હોય છે તેવા સ્થળો પર સફાઈ હાથ ધરવામાં આવ્યા બાદ દંડાત્મક કાર્યવાહીની ચીમકી સાથે બેનરો મુકવામાં આવ્યા છે. ખાસ કરીને લિંબાયત ઝોનમાં મીઠીખાડી, ઉમરવાડા સહિત ડિંડોલી વિસ્તારમાં કેન્ટેઈનરના સ્પોટ હટ્યા બાદ તે સ્થળો પર રાબેતા મુજબ ગંદકીના જોવા મળતાં દ્રશ્યો હવે ભુતકાળ બની ચુક્યા છે.
સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા એક મહિનાથી રોગચાળા પર અંકુશ મેળવવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને જે સ્થળો પર નિયમિત ગંદકી જોવા મળતી હોય છે તેવા સ્પોટ પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. આસપાસના વિસ્તારના નાગરિકો દ્વારા આવા સ્થળો પર રાબેતા મુજબ કચરો ઠાલવવાને પગલે ઉકરડાંની દ્રશ્યો જોવા મળતા હતા. જેને પગલે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઉભી થતાં લિંબાયત ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેના ફળસ્વરૂપ હવે આ સ્થળો પર ગંદકીના દ્રશ્યો ભુતકાળ બની ચુક્યા છે. લિંબાયત ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કરીને ઉમરવાડા, મીઠીખાડી, ભાઠેના, ડિંડોલી, ડિંડોલી ફાયર સ્ટેશન સહિતના વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકનારાઓ પાસે વિરૂદ્ધ દંડાત્મક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેને પગલે હવે આવા સ્થળો પર મનપા દ્વારા બેનરો મુકવામાં આવ્યા છે જેમાં કોઈએ કચરો નાંખવો નહીં અને કચરો નાખનાર પાસેથી 500 રૂપિયાના દંડની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ સ્થિતિને પગલે હવે આ વિસ્તારોના નાગરિકો દ્વારા જાહેરમાં કચરો નાખવાનું બંધ કરવામાં આવ્યું છે. જેને પગલે આ વિસ્તારમાંથી પસાર થનારા નાગરિકોને પણ ભારે રાહત મળવા પામી છે.
જાહેરમાં કચરો ફેંકનારા વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહીઃ ડો. નિમેશ દેસાઈ
લિંબાયત ઝોનના આરોગ્ય અધિકારી ડો. નિમેશ દેસાઈએ જણાવ્યું હતું, ઝોનમાં સમાવિષ્ટ વિસ્તારોમાં જાહેર સ્થળો પર ગંદકી અને કચરો ફેલાવનારા પર સખ્ત કાર્યવાહી માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને જેના ભાગરૂપે સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, જે સ્થળો પર નિયમિત ગંદકીના ઢગલા જોવા મળતા હતા ત્યાં હવે આ પ્રકારની કાર્યવાહીને પગલે સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે અને નાગરિકો પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃત બને તે માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે.
8 હજાર નાગરિકો પાસેથી 2.82 લાખની દંડાત્મક વસુલાત
સુરત શહેરમાં જાહેર સ્થળો પર કચરો ફેંકનારા નાગરિકો વિરૂદ્ધ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સીસીટીવી કેમેરાની સહાય લેવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શહેરના તમામ ઝોન વિસ્તારોમાં જાહેર સ્થળો પર કચરો ફેંકનારા આઠ હજાર નાગરિકો પાસેથી અત્યાર સુધીમાં 2.82 હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે વધુ માહિતી આપતાં આરોગ્ય વિભાગના વડા ડો. આશિષ નાયકે જણાવ્યું હતું કે, શહેરમાં જાહેર સ્થળો પર ગંદકી અને ન્યૂસન્સ ફેલાવનારા વિરૂદ્ધ હાથ ધરવામાં આવેલ અભિયાન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના રસ્તાઓ અને જાહેર સ્થળો પર સ્વચ્છતા જળવાઈ રહે તે માટેનો છે. જાહેર સ્થળો પર ગંદકી કરનારાઓ વિરૂદ્ધ સખ્ત કાર્યવાહીને પગલે લોકો પણ આ પ્રત્યે જાગૃત બની રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું.