હવે રસ્તા પર કચરો ફેક્યો તો ખેર નહિ:જાહેરમાં કચરો ફેકનાર મહિલા પાસે લોકોએ કચરો ઉચકાવી વિડીયો કર્યો વાયરલ

સ્વચ્છતા બાબતે સુરતીઓ થયા જાગૃત: જાહેરમાં કચરો ફેકનાર મહિલા પાસેજ ઉચકાવ્યો કચરો

સુરતમાં જાહેરમાં કચરો નાખવા સામે હવે લોકો જાતે જ જાગૃત થયા છે.અને તે અંતર્ગત આજરોજ સવારના સમયે કતારગામ વિસ્તારમાં જાહેરમાં કચરો ફેંકીને જતી એક મહિલાને સ્થાનિકોએ પાઠ ભણાવ્યો હતો, કચરો ફેંકીને જતી મહિલાને લોકોએ ઘેરી લઈ તેની પાસે જ કચરો ઉચકાવ્યો હતો. એટલું જ નહીં પરંતુ લોકોએ કચરો ફેંકીને જતી મહિલાનો વિડીયો પણ ઉતારી લેતા હાલ આ વિડ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 

આજ રોજ સવારના સમયે સુરતના કતારગામ વિસ્તારમાં એક મહિલા કચરો ફેંકીને જઈ રહી હતી પરંતુ કચરો ફેંકીને જતી આ મહિલાને સ્થાનિક લોકો જોઈ ગયા હતા.અને બાદમાં તમામ લોકોએ ભેગા મળીને આ મહિલા પાસે કચરો પાછો ઉપડાવ્યો હતો. લોકોએ આ મહિલાને ઘેરી લેતા મહિલાએ કહ્યું કે ” બધા કચરો નાખે છે એટલે મેં પણ આ કચરો અહીં નાખ્યો હવે મેં કચરો ઉપાડી લીધો છે અને મને જવા દો” એટલું જ નહીં પરંતુ આ મહિલાને સ્થાનિકોએ પૂછ્યું હતું કે તમે કઈ સોસાયટીના છો ત્યારે મહિલાએ જવાબ આપવાનું ટાળ્યું હતું. અને તેને કારણે મહિલા તેમજ સ્થાનિકો વચ્ચે રકઝક પણ થઈ હતી. જોકે આખરે મહિલાએ પોતાની સોસાયટી અને ઘર નંબર જણાવી દેતા સ્થાનિકોએ તેને જવા દીધી હતી.કચરો ફેંકીને જઈ રહેલી આ મહિલાનો વિડીયો ત્યાં હાજર એક વ્યક્તિએ ઉતારી લીધો હતો.અને ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ઉલ્લેખનીય છે કે સ્વચ્છ સિટી તરીકે નંબર વન આવવા માટે સુરત મનપા દ્વારા હાલ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જોકે જાહેરમાં આ પ્રકારે કચરો ફેંકી લોકો મનપાની મહેનત પર પાણી ફેરવી રહ્યા છે. કતારગામ જ નહીં પરંતુ સુરતની કેટલી એવી સોસાયટી છે જ્યાં પ્રમાણે લોકો જાહેરમાં કચરો ફેંકી ગંદકી ઊભી કરી છે. મનપા દ્વારા વારંવાર સફાઈ કરવામાં આવ્યા બાદ પણ ફરી એ જ જગ્યાએ કચરાના ઢગલા જોવા મળતા હોય છે ત્યારે પોતાના શહેરને સ્વચ્છ રાખવા માટે હવે સ્થાનિકો જાતે જ આ પ્રમાણે જાગૃત થયા છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed