અલથાણમાં વધુ એક ડોગ બાઈટનો કિસ્સો : ઘર બહાર રમતી બાળકી પર કુતરાએ બચકા ભર્યા

0

શહેરમાં ડોગ બાઈટ્સના સતત વધી રહેલા કિસ્સાઓ વચ્ચે મહાનગર પાલિકાની કામગીરી વિરૂદ્ધ હવે શહેરીજનોમાં ભારોભાર આક્રોશ ફાટી નીકળ્યો છે. છેલ્લા દોઢ મહિનામાં કુતરાઓના કરડવાને લીધે બે બાળકો સહિત ત્રણ નાગરિકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે અલથાણ ગામે વધુ એક ડોગ બાઈટ્સનો કિસ્સો નોંધાતા તંત્ર દોડતું થયું છે. ઘર બહાર રમી રહેલ બાળકીને કુતરાએ બચકાં ભરતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. હાલ બાળકીને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ હવે સ્થાનિકો દ્વારા આ કુતરાઓને પકડવા માટેની અપીલ કરવામાં આવી છે.

શહેરના અલથાણ ગામે ઘરની બહાર રમી રહેલી પાંચ વર્ષની મહેક રાઠોડ નામની બાળકી પર કુતરાએ હુમલો કરીને બચકાં ભરતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાને પગલે બાળકીએ જોર – જોરથી બુમો પાડતાં સ્થાનિકોએ દોડીને બાળકીને બચાવી લીધી હતી. અલબત્ત, થાપાના ભાગે કુતરાએ કરડતાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બાળકીની માતા આરતી રાઠોડે જણાવ્યું હતું કે, મહેક અન્ય બાળકો સાથે ઘરની બહાર રમી રહી હતી તે દરમ્યાન જ શેરીમાં રખડતાં કુતરાએ બાળકી પર હુમલો કર્યો હતો. આ વિસ્તારમાં ત્રણ જેટલા કુતરાઓ દ્વારા આ પ્રકારના હુમલા કરવામાં આવ્યા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

એક તરફ શહેરમાં સતત ડોગ બાઈટ્સના કિસ્સા વધી રહ્યા છે ત્યારે મહાનગર પાલિકા દ્વારા પાંજરાઓ વધારવાથી માંડીને કુતરાઓના રસીકરણ અને ખસીકરણની કામગીરી સઘન બઆનાવવામાં આવી હોવાની ગુલબાંગો હાંકવામાં આવી રહી છે. મનપાના આરોગ્ય વિભાગના પ્રયાસો વચ્ચે પણ શહેરમાં કુતરાઓના કરડવાના કિસ્સાઓને કારણે હવે નાગરિકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *