Surat:લગ્નના પાંચમા દિવસે માતાને મળવા જવાનું કહી દુલ્હન દાગીના સાથે છૂમંતર
લગ્નના પાંચમા દિવસે માતાને મળવા જવાનું કહી દુલ્હન દાગીના સાથે છૂમંતર: યુવકે કતારગામ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા અને ગેરેજના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાનને લગ્નના બહાને ઠગબાજ ટોળકી ભેટી ગઈ હતી. યુવકના લગ્ન ન થતાં હોવાથી ભાવનગરના યુવાને મુંબઈની યુવતી સાથે મળી તેના લગ્ન કરાવ્યા હતા. જોકે ત્યારબાદ પાંચ દિવસ સાથે રહ્યા બાદ યુવતીએ તેની માતાને મળવા જવાનું છે કહી ઘરમાંથી કપડાં તથા દાગીના લઈ ફરાર થઈ ગઈ હતી. જેથી યુવકે તેના લગ્ન કરાવી આપનાર નો સંપર્ક કરતા તેઓએ પણ ફોન ઉપાડવાનો બંધ કરી દીધા હતા.
યુવકના લગ્ન કરાવવા માટે ટોળકીએ ૧.૮૦લાખ પડાવ્યા હતા
કતારગામ વિસ્તારમાં આવેલ હરીઓમ સોસાયટીમાં રહેતા ૩૭ વર્ષીય મહેશભાઈ વિલ્લભાઈ તરસીયાના લગ્ન થતાં ન હતા. આ દરમિયાન લગ્ન કરાવી આપવાના બહાને ઠગબાજ ટોળકી તેમને ભટકાઈ ગઈ હતી.. મોમીનભાઈ ભાભાભાઈ ગાહા (રહે મોટા આસરાણા તા. મહુવા જી. ભાવનગર) તથા ગણેશ ભંડુ ધીપે (રહે.નાસિક મહારાષ્ટ્ર,) હર્ષદ નામના ઇસમોએ તેના લગ્ન મુંબઈની કવિતા સુનિલ વાઘ (રહે. તલેગાંવ ઇગતપુરી નાશિકમહારાષ્ટ્ર) નામની યુવતી સાથે કરાવી આપ્યા હતા.
ગત તારીખ 10/03/2022ના રોજ લગ્ન બાદ કવિતા મહેશભાઈ પાસે રહેવા આવી ગઈ હતી. મહેશભાઈ ના લગ્ન કરી આપવાના બદલામાં મોમીન તથા તેની ટોળકીએ કુલ ૧.૮૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા. લગ્ન બાદ કવિતા મહેશભાઈના ઘરે રહેવા માટે આવી ગઈ હતી. જોકે પાંચ દિવસ બાદ કવિતાએ તેની માતા પાસે મળવા જવાનું કહીને ઘરેથી કપડા અને દાગીના લઈને નીકળી ગઈ હતી. થોડા દિવસ બાદ પણ કવિતા પરત ના આવતા મહેશભાઈએ તેને પરત બોલાવવાની કોશિશ કરી હતી. પરંતુ ઠગબાજ મહિલાએ તેને એલફેલ બોલી ફોન ઉપાડવાનો બંધ કરી દીધા હતા. તેથી મહેશભાઈએ લગ્ન કરાવી આપનાર મોમીન અને તેના માણસોને ફોન કરતા તેઓએ પણ ફોન ઉપાડવામાં બંધ કરી દેતા મહેશભાઈને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થઇ હતી. જેથી મહેશભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતાપોલીસે ઠગબાજ ટોળકી સામે ઠગાઇનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.