અભિનયની દુનિયામાં પ્રવેશ કરશે આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન
આમિર ખાનનો(Amir Khan) પુત્ર જુનૈદ ખાન હવે અભિનયની દુનિયામાં પ્રવેશ કરશે. શુક્રવારે જુનૈદની પ્રથમ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. યશરાજ બેનર અને નેટફ્લિક્સની આ ફિલ્મનું નામ ‘મહારાજ’ છે. જુનૈદ ઉપરાંત આ ફિલ્મમાં જયદીપ અહલાવત, શર્વરી વાળા અને શાલિની પાંડે છે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ પી મલ્હોત્રા કરશે જે અગાઉ રાની મુખર્જી સાથે ‘હિચકી’ બનાવી ચૂક્યા છે.
જાણો ફિલ્મનું નામ અને વાર્તા
એવું કહેવાય છે કે જુનૈદ તેના પિતા આમિરના પગલે ચાલી શકે છે. કદાચ આ જ કારણે તેને આ પ્રકારની ફિલ્મ પસંદ આવી હતી. જુનૈદની ફિલ્મ ‘મહારાજ’ સત્ય ઘટનાઓ પર આધારિત છે. તેની વાર્તા વર્ષ 1800 માં સેટ છે. જેમાં બતાવવામાં આવશે કે કેવી રીતે એક સામાન્ય માણસ, જે વ્યવસાયે પત્રકાર છે, તે સમાજમાં એક આદર્શ વ્યક્તિ તરીકે ઉભરી આવે છે.
લોકો તેને લોકોનો મસીહા માનવા લાગે છે. આ પત્રકાર સમાજના પાયા હચમચાવી નાખે તેવી અનેક ઘટનાઓ જાહેર કરે છે. યશ રાજ ફિલ્મ્સે એક પોસ્ટ શેર કરી અને આ નવા પ્રોજેક્ટ વિશે લખ્યું, ‘નેટફ્લિક્સ અને યશ રાજ ફિલ્મ્સ બ્લોકબસ્ટરનો નવો યુગ લાવવા માટે કામ કરી રહ્યા છે. ટૂક સમયમાં આવી રહ્યું છે….’