જહાંગીરપુરામા પ્રધાનમંત્રી આવાસના કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહેલા કામદારના પીઠના ભાગે સળિયો ઘુસ્યો
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આજ રોજ એક ચકચારીત રીત કિસ્સો બનવા પામ્યો છે. જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહેલા એક કામદારના પીઠના ભાગે લાંબો સળિયો ઘૂસી ગયો હતો. કામદાર કામ કરી રહ્યો હતો તે દરમિયાન ઉપરથી સળિયો પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી જેને કારણે ત્યાં હાજર તમામ લોકો એકઠા થઇ ગયા હતા. અને સળિયાને કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સળીઓ શરીરના ભાગમાં ઘૂસી ગયો હોય તેને મશીનથી અડધો કાપી બાદમાં કારીગરને સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
સીવીલ હોસ્પીટલના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ 26 વર્ષીય રફીક નામનો યુવાન જહાંગીર પુરા ખાતે નિર્માણ થયેલા પ્રધાનમંત્રી આવાસના કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહ્યો હતો. તે દરમ્યાન અચાનક ઉપરથી એક મોટો સળિયો નીચે પડતા તે રફિકના ગળાના ભાગેથી પીઠના ભાગ સુધી ઘૂસી ગયો હતો. આ દુર્ઘટનામાં રફીક ગંભીર રીતે ઘવાયો હતો. જેથી ઘટનાને પગલે સાઈટ પર હાજર કામદારો અને એન્જિનિયર સહિતના તમામ લોકો ભેગા થઈ ગયા હતા અને રફિકને જોઈ સૌ કોઈના જીવ તાળવે ચોંટી ગયા હતા .લોકોએ ઇજાગ્રસ્ત રફીકના પીઠમાંથી સળીયો કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સળીયો વધુ અંદર ઘૂસી ગયો હોય બહાર વધેલા લોખંડના સળિયાને કાપવામાં આવ્યો હતો અને ઘટના અંગે 108 ને જાણ કરતા 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી.
ઇજાગ્રસ્ત રફીકને એમ્બ્યુલન્સ મારફતે સુરત નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી તેને ઓપરેશન માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.