Surat : હર ઘર તિરંગાના કાર્યક્રમ દરમ્યાન મુખ્યમંત્રીના કાફલામાં હથિયાર સાથે પહોંચનાર શખ્સ આ ધારાસભ્યનો નજીકનો સબંધી નીકળ્યો

0
Surat: During the Har Ghar Tiranga programme, the person who arrived in the Chief Minister's convoy with a weapon turned out to be a close relative of this MLA.

Surat: During the Har Ghar Tiranga programme, the person who arrived in the Chief Minister's convoy with a weapon turned out to be a close relative of this MLA.

મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં હાલમાં જ શહેરના (Surat ) હર ઘર તિરંગા (Har Ghar Tiranga ) અભિયાન હેઠળ આયોજીત કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થાને મુદ્દે ગંભીર લાપરવાહી બહાર આવતાં હોબાળો મચી જવા પામ્યો છે. ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યનો પરિચીત વ્યક્તિ રિવોલ્વર સાથે પહોંચી જતાં સુરક્ષા વ્યવસ્થામાં જોતરાયેલો સ્ટાફ પણ સ્તબ્ધ થઈ ગયો હતો. અલબત્ત, આ વ્યક્તિની તાત્કાલિક અટકાયત કરીને સ્થાનિક પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેણે પોતાની પાસે રહેલ હથિયારનું લાયસન્સ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જો કે, હવે આ સમગ્ર પ્રકરણની ગંભીર નોંધ લેવાની સાથે મુખ્યમંત્રીના કાફલામાં હથિયાર સાથે પહોંચેલ વ્યક્તિનું લાયસન્સ રદ્દ કરવા સંદર્ભેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ગત 4થી ઓગસ્ટના રોજ શહેરના લાલભાઈ કોન્ટ્રાક્ટર ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જો કે, ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાફલામાં જ્યાં કોઈ ટાંકણી લઈને પણ ન પહોંચી શકે ત્યાં સ્થાનિક ધારાસભ્યના નજીકના સંબંધી રિવોલ્વર સાથે પહોંચી ગયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી માત્ર 15 મીટરના અંતરે મુખ્યમંત્રીના અંગત સિક્યુરિટી સ્ટાફે આ વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. રિવોલ્વર સાથે સ્ટેજની નજીક સુધી પહોંચવામાં સફળ રહેલા આ વ્યક્તિની સુરક્ષા જવાનો દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવતાં તેનું નામ રમેશ મોહન દેવાણી હોવાનું જાણવા મળ્યું હતું. સરથાણા ખાતે રહેતા અને વેપાર – ધંધો કરતા રમેશ દેવાણીએ આ દરમ્યાન પોતાનો બાલિશ બચાવ કરતાં જણાવ્યું હતું કે તેની પાસે જે હથિયાર છે તેનો પરવાનો તેઓ ધરાવે છે.

બીજી તરફ મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થામાં જોતરાયેલા જવાનોએ તાત્કાલિક સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાને રાખીને તેઓને ઉમરા પોલીસ મથક ખાતે લઈ ગયા હતા. જ્યાં તેઓની અટકાયત બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવતાં તેઓ સ્થાનિક ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાના નજીકના સંબંધી હોવાનો ઘટસ્ફોટ થતાં સમગ્ર પ્રકરણમાં સ્થાનિક ધારાસભ્ય પણ દોડતા થઈ ગયા હતા.

રાજ્યના ગુપ્તચર વિભાગના એડિ. ડીજીપી અનુપ સિંહ ગેહલોત દ્વારા આ સમગ્ર પ્રકરણને ખૂબ જ ગંભીરતાથી લેવાની સાથે – સાથે સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર બેદરકારીની નોંધ લેવામાં આવી હતી. તેઓએ આ સમગ્ર પ્રકરણમાં ઉમરા પોલીસ મથકમાં આરોપી રમેશ દેવાણી વિરૂદ્ધ જાણવા જોગ ફરિયાદ પણ દાખલ કરવા માટેના સ્પષ્ટ નિર્દેશ પાઠવ્યા હોવાનું જાણવા મળ્યું છે અને તેના આધારે જ અંતે ઉમરા પોલીસ મથકમાં રમેશ દેવાણી વિરૂદ્ધ જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

શરતચૂકથી હથિયાર સાથે પહોંચ્યો હતોઃ ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા

આ સમગ્ર પ્રકરણ અંગે ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ દરમ્યાન હથિયાર સાથે પહોંચેલ રમેશ દેવાણી તેઓનો ભાણેજ થાય છે. જો કે, તેઓ શરતચુકથી હથિયાર સાથે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. આ દરમ્યાન ધારાસભ્યે વધુમાં જણાવ્યું હતું કે, ફેકટરીથી નીકળીને રમેશ દેવાણી સીધા મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળે આવવા માટે રવાના થયા હતા અને આ દરમ્યાન તેઓ પોતાની સાથે રહેલ હથિયાર ગાડીમાં મુકવાનું ભુલી ગયા હતા.

રિવોલ્વરનું લાયસન્સ રદ્દ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ગંભીર ચુક સમાન આ પ્રકરણમાં સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હથિયાર સાથે પહોંચેલા વેપારી રમેશ મોહનભાઈ દેવાણીની જે તે સમયે ઉમરા પોલીસ મથકે અટકાયત બાદ હવે તેઓના હથિયારનું લાયસન્સ રદ્દ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ સંદર્ભે રમેશ દેવાણીને પોલીસ દ્વારા નોટિસ પાઠવીને આ પ્રકારની ગંભીર બેદરકારી દાખવવા બદલ ખુલાસો માંગવા સાથે તેઓનું લાયસન્સ રદ્દ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *