Asia Cup પહેલા ટિમ ઇન્ડિયા માટે ખુશીના સમાચાર : આ બેટ્સમેન થઇ ગયો સંપૂર્ણ ફિટ
ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં માત્ર બે મહિના બાકી છે. 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી આ વર્લ્ડ કપ પહેલીવાર એકલા ભારતના યજમાનપદે રમાશે. આ વર્લ્ડ કપ પહેલા એશિયા કપનું આયોજન પાકિસ્તાન અને શ્રીલંકા દ્વારા કરવામાં આવનાર છે. આ ટૂર્નામેન્ટ દ્વારા ટીમ ઈન્ડિયા પોતાની વર્લ્ડ કપની તૈયારીઓને આખરી ઓપ આપવા માંગે છે. એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત 15મી ઓગસ્ટ સુધીમાં થવાની છે. દરમિયાન, ભારતીય ટીમ માટે એક સારા સમાચાર છે, ટીમનો એક વિસ્ફોટક બેટ્સમેન હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને પસંદગી માટે ઉપલબ્ધ છે.
વાસ્તવમાં, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, વિસ્ફોટક બેટ્સમેન કેએલ રાહુલ હવે એશિયા કપ માટે સંપૂર્ણ રીતે ફિટ છે અને પસંદગી માટે પણ ઉપલબ્ધ છે. રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના કોચ કેએલ રાહુલની રિકવરીથી ઘણા ખુશ છે. કેએલ રાહુલ એશિયા કપની સાથે સાથે વર્લ્ડ કપમાં પણ મિડલ ઓર્ડરની બેટિંગને મજબૂત બનાવી શકે છે. આ સાથે તે વિકેટકીપિંગની જવાબદારી પણ સારી રીતે નિભાવી શકે છે.
કેએલ રાહુલ વર્લ્ડ કપમાં વિકેટકીપિંગ સંભાળી શકે છે
ODI વર્લ્ડ કપની વાત કરીએ તો અત્યારે ટીમ ઈન્ડિયાને મિડલ ઓર્ડર બેટ્સમેનની સાથે વિકેટ કીપરની પણ કમી છે. રિષભ પંત આ અંતરને ભરી શકે છે, પરંતુ તે અત્યારે સંપૂર્ણ રીતે ફિટ નથી. એટલા માટે કેએલ રાહુલ આ મહત્વની જવાબદારી સારી રીતે નિભાવી શકે છે. રાહુલ ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બની શકે છે. તે લાંબા સમયથી ODI ફોર્મેટમાં મિડલ ઓર્ડરની સાથે વિકેટકીપિંગની જવાબદારી નિભાવી રહ્યો છે.
સેમસનનું પત્તુ કાપવામાં આવશે
કેએલ રાહુલની વાપસી બાદ સંજુ સેમસનનું પત્તું કપાય તે નિશ્ચિત છે. કેએલ રાહુલની સાથે બીજા વિકેટકીપર તરીકે ઈશાન કિશનનું પણ ટીમમાં સ્થાન નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આ સાથે જ રવિન્દ્ર જાડેજાની સાથે અક્ષર પટેલ પણ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ થઈ શકે છે. ઝડપી બોલિંગ વિભાગનું નેતૃત્વ મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુર સાથે જસપ્રીત બુમરાહ કરી શકે છે. કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને પણ સ્પિનર તરીકે તક મળી શકે છે.
એશિયા કપ 2023 માટે સંભવિત 15 સભ્યોની ટીમ ઇન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ. મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુર.