સુરતના બસ સ્ટેન્ડ હવે ગધેડા ઢોરના તબેલા બન્યા : જાળવણીનો મોટો અભાવ
સુરત મહાનગર પાલિકા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશન નામે શહેરમાં ઠેર – ઠેર ઉભા કરવામાં આવેલા સિટી બસ સ્ટેન્ડની દુર્દશાના દ્રશ્યો હવે સામાન્ય થઈ ચુક્યા છે. જાળવણીના અભાવે મોટા ભાગના બસ સ્ટેન્ડો જર્જરિત થઈ ચુક્યા છે ત્યારે જે થોડા ઘણા બસ સ્ટેન્ડની કન્ડીશન સારી છે ત્યાં નાગરિકો દ્વારા ગઘેડા અને બકરાં બાંધવામાં આવી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સુરત મહાનગર પાલિકા દ્વારા લાખ્ખોના ખર્ચે ઉભા કરવામાં આવેલા બસ સ્ટેન્ડોના આ પ્રકારના ઉપયોગને પગલે હવે ખુદ વહીવટી તંત્ર જ શહેરીજનોમાં હાંસીનું પાત્ર બની રહ્યું છે.
રોજના સવા લાખથી વધુ નાગરિકો સુરત મહાનગર પાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસની સુવિધાનો લાભ લઈ રહ્યા છે. જો કે, વહીવટી તંત્ર દ્વારા વર્ષે દહાડે કરોડો રૂપિયાની ખોટ કરતી આ સેવા પ્રત્યે કેટલી ગંભીર છે તે જગજાહેર છે. સિટી બસ માટે શહેરમાં કોઈપણ પ્રકારના સર્વેની કામગીરી વગર ઠેર – ઠેર ઉભા કરવામાં આવેલા બસ સ્ટેન્ડો બિનવારસી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. કેટલાક બસ સ્ટેન્ડ શ્રમજીવી અને ભિક્ષુકોના નિવાસ સ્થાનની ગજર સારી રહ્યા છે તો કેટલાક બસ સ્ટેન્ડોની હાલત એટલી દયનીય છે કે મુસાફરો તો ઠીક જાનવરો પણ આ બસ સ્ટેન્ડનો ઉપયોગ કરી શકે તેવી સ્થિતિમાં નથી. આટલું ઓછું હોય તેમ હવે શહેરમાં બસ સ્ટેન્ડ જાણે જાનવરો માટેના તબેલા હોય તેમ બકરાં અને ગઘેડાઓ બાંધવા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે.
મહાનગર પાલિકાના વહીવટી તંત્ર દ્વારા આડેધડ લાખ્ખો રૂપિયાના ખર્ચે ઉભા કરવામાં આવેલા બસ સ્ટેન્ડો જાળવણીના અભાવે ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યા છે ત્યારે હવે આ પ્રકારે બસ સ્ટેન્ડ પર જ ગધેડાં અને બકરાંઓ બાંધવામાં આવતાં ગંદકીની સમસ્યા પણ સર્જાવા પામી છે. ત્યારે આ સ્થળેથી પસાર થવામાં રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સર્વે વિના જ બસ સ્ટેન્ડો પાછળ લાખ્ખોનો ધુમાડો
સુરત મહાનગર પાલિકાના હદ વિસ્તારમાં દોડતી સિટી બસ સેવા મહાનગર પાલિકા માટે ધોળો હાથી પુરવાર થઈ રહી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પ્રજાના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા બસ સ્ટેન્ડ બનાવવા પાછળ વેડફી દેવામાં આવ્યા છે. બસોની નિયમિતતા અને મુસાફરોની સંખ્યાને ધ્યાને રાખ્યા વિના જ અવાવરૂ સ્થળો પણ ઠોકી બેસાડવામાં આવેલા બસ સ્ટેન્ડ ગણતરીનાં વર્ષોમાં જ જર્જરિત થઈ ચુક્યા છે. આટલું ઓછું હોય તેમ મોટા ભાગના બસ સ્ટેન્ડોમાં સફાઈ સહિતની સુવિધાના અભાવે મુસાફરો પણ ઉપયોગ કરવાનું કમને ટાળી રહ્યા છે. આ સ્થિતિમાં બસ સ્ટેન્ડ બનાવવા પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરનારા અધિકારીઓ વિરૂદ્ધ તપાસ હાથ ધરવામાં આવે તેવી પણ લોકો દ્વારા માગ કરવામાં આવી રહી છે.