સ્ટાફની અછતને કારણે સ્મીમેર હોસ્પિટલનું તંત્ર વ્હીલચેર પર આવ્યું : દર્દીઓને ભારે હાલાકી

0

સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલને એક તરફ વહીવટી તંત્ર દ્વારા મલ્ટીસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ બનાવવાના સપના સેવવામાં આવી રહ્યા છે. જો કે, વાસ્તવિકતાનો ચિતાર એટલો બિહામણો છે કે અહિંયા આવતાં દર્દીઓ અને તેમના પરિવારજનોને દારૂણ સ્થિતિમાંથી પસાર થવું પડે છે. હાલમાં જ સ્મીમેર હોસ્પિટલમાં 50 જેટલા વોર્ડબોયને બઢતી સાથે બદલી કરવામાં આવતાં સ્ટ્રેચરથી માંડીને વ્હીલચેર પર દર્દીઓને આમથી તેમ લઈ જવા માટે પરિવારજનો પર આશ્રિત રહેવું પડતું હોય છે. કેસ બારીથી શરૂ થતી વ્યથા ઓ.પી.ડી. સહિતના વિભાગો સુધી પહોંચતાં પહોંચતાં દર્દીઓની સાથે તેમના પરિવારજનો પણ માનસિક રીતે પડી ભાંગતા હોય છે.

શહેરના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આર્શીવાદ રૂપ સાબિત થતી સ્મીમેર હોસ્પિટલને અત્યાધુનિક બનાવવા મહાનગર પાલિકા દ્વારા વર્ષેદહાડે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. જો કે, પ્રાથમિક સુવિધાઓમાં લાપરવાહી અને સ્ટાફના અભાવે સ્મીમેર હોસ્પિટલ યેન કેન પ્રકારે વિવાદનું ઘર બનતી હોય છે. સહારા દરવાજા ખાતે આવેલ સ્મીમેર હોસ્પિટલમાં પ્રતિદિન સેંકડો દર્દીઓ સામાન્યથી માંડીને ગંભીર બિમારીની સારવાર માટે પહોંચતા હોય છે. જેઓને છાશવારે હાલાકી ભોગવવાની ફરિયાદો પણ ઉઠવા પામતી હોય છે. આ સ્થિતિમાં હવે સ્મીમેરમાં જ કાર્યરત 50થી વધુ વોર્ડ બોયની બઢતી સાથે બદલી કરવામાં આવતાં દર્દીઓ માટે સ્થિતિ વધુ પીડાદાયક બની રહી છે. અત્યાર સુધી સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે આવનાર દર્દીઓને સ્ટ્રેચર અને વ્હીલચેર પર ઓ.પી.ડી.થી માંડીને જે – તે વિભાગ સુધી લઈ જવા માટે વોર્ડ બોડ ફરજ બજાવતાં હતા. જો કે, હવે વોર્ડ બોયની ગેરહાજરીને પગલે દર્દીઓ રીતસરના રઝળી પડે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

સ્મીમેર હોસ્પિટલમાં પહેલેથી જ વોર્ડ બોયની ભારે અછત હતી તેવામાં 50થી વધુ વોર્ડ બોયનું પ્રમોશન કરવામાં આવતાં હવે હાલાત વધુ વિકટ બની છે. સારવાર માટે સ્મીમેરના ઉંબરે પહોંચતા દર્દીઓને લાવવા – લઈ જવા માટે પરિવારજનો પર નિર્ભર રહેવું પડતું હોય છે. ઘણી વખત સ્થિતિ એટલી હદે વિકટ બને છે કે વ્હીલચેર અને સ્ટ્રેચર શોધવામાં જ દર્દીના પરિવારજનોને 10થી 15 મિનિટનો સમય નીકળી જાય છે. બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા સ્ટાફના અભાવનું કારણ ધરીને દર્દીઓને કોઈપણ પ્રકારની સહાય કરવામાં પોતાની અસમર્થતા દાખવવા આવતી હોય છે.

100થી વધુ વોર્ડ બોયની અછત મુખ્ય કારણ

સ્મીમેર હોસ્પિટલમાં હાલમાં 275 જેટલા વોર્ડ બોય ફરજ બજાવી રહ્યા હતા. જે પૈકી 50 જેટલા વોર્ડ બોયની બઢતી સાથે બદલી થતાં હવે સ્થિતિ વધુ નાજુક બની છે. સ્મીમેર હોસ્પિટલમાં પહેલેથી જ 50 જેટલા વોર્ડ બોયની અછત હતી ત્યારે હવે વોર્ડ બોયના પ્રમોશન સાથે બદલી થતાં 100થી વધુ વોર્ડ બોયની અછત ઉભી થવા પામી છે. જેને કારણે સ્મીમેર હોસ્પિટલની સુવિધાઓ પર જ સીધી અસર જોવા મળી રહી છે. આવી જ સ્થિતિ આયાની ફરજ નિભાવતાં કર્મચારીઓમાં પણ જોવા મળી રહી છે. હાલ સ્મીમેરમાં 81 આયા ફરજ બજાવી રહી છે જ્યારે 50થી વધુ પદ ખાલી હોવાનું જાણવા મળ્યું છે.

મનપાના આરોગ્ય વિભાગની ધરાર ઉદાસીનતા

પ્રતિદિન સેંકડો દર્દીઓથી ઉભરાતી સ્મીમેર હોસ્પિટલ પહેલેથી જ સ્ટાફની ઘટ અને અછતનો સામનો કરી રહી છે ત્યારે હવે 50થી વધુ વોર્ડ બોયનું પ્રમોશન સાથે બદલી થતાં તેમનો ઉત્સાહ તો સાતમા આસમાને પહોંચ્યો છે પરંતુ બીજી તરફ સ્મીમેર હોસ્પિટલ પહોંચી રહેલા દર્દીઓએ કડવો અનુભવ કરવો પડી રહ્યો છે. જેને પગલે દર્દીઓના પરિજનો દ્વારા હવે જો આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવ્યા બાદ વોર્ડ બોડની બઢતી સાથે બદલીનો નિર્ણય લેવામાં આવ્યો હોય તો આ સ્થિતિનું નિર્માણ ન થાય તેવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *