કતારગામમા અગાસીમાં સૂતેલી ગોડાદરાની યુવતીની છેડતી કરનાર યુવકને પાઠ ભણાવતી ૧૮૧ અભયમ

0

અગાસીમાં સૂતેલી ગોડાદરાની યુવતીની છેડતી કરનાર યુવકને પાઠ ભણાવતી ૧૮૧ અભયમ

અભયમે કાયદાકીય કાર્યવાહી દ્વારા ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરતા યુવકે માફી માંગી ફરી ગેરવર્તન નહિં કરવા લેખિત બાંયધરી આપી


મહિલાઓની મિત્ર બની તેમની વ્હારે આવતી ૧૮૧ અભયમ હેલ્પલાઈન ફરી એકવાર એક પીડિત યુવતીની વ્હારે આવી છે. રાત્રે અગાસીમાં સૂતેલી ગોડાદરા વિસ્તારની એક યુવતીને છેડતીથી બચાવી ગુનો કરનાર પાડોશી યુવકને અભયમે પાઠ ભણાવ્યો હતો.

અભયમથી પ્રાપ્ત વિગતો મુજબ ગોડાદરા વિસ્તારમાં રહેતો શર્મા પરિવાર (અટક બદલી છે) મૂળ ઉત્તરપ્રદેશના વતની છે, અને છેલ્લા ચાર વર્ષથી રોજગારી માટે સુરતમાં વસવાટ કરી રહ્યા છે. આ પરિવારમાં પતિ-પત્ની અને બે દીકરી છે. પરિણીતાના પતિ નાઈટ શિફ્ટમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે છે. ઉનાળાની કાળઝાળ ગરમીથી રાત્રે થતા બફારાના કારણે તેઓ રાત્રે બે દીકરીઓ સાથે અગાસીમાં સૂતા હતા. તેમની સાથે એક સંબંધીની યુવાન દીકરી પણ સૂતી હતી. એ સમયે તેમની પડોશમાં રહેતા એક યુવાને બદઈરાદાથી આવી આ યુવતીની કમરમાં હાથ નાખી છેડતી કરી હતી. અણછાજતો સ્પર્શ થતા ચમકીને જાગી ગયેલી યુવતીએ મદદ માટે મોટેથી બૂમો પાડતા યુવક ભાગી ગયો હતો, અને સવારે આ પરિવારને ‘કોઈને કહેશો તો હું જોઈ લઈશ’ એવી ધમકી આપતા ડરી ગયેલા પરિવારે મદદ માટે ૧૮૧ અભયમનો સંપર્ક કર્યો હતો.

કતારગામ સ્થિત અભયમ ટીમની રેસ્ક્યુવાન સ્થળ પર પહોંચી યુવકને પકડીને કડકાઈથી સમજાવ્યો હતો. અને તેની આ હરકત બદલ ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરતા તેની સાન ઠેકાણે આવી ગઈ હતી, અને કાકલૂદી કરવા લાગ્યો હતો. તેણે ફરીથી આવી ભૂલ નહિ કરૂ, અને એક વાર સુધરવાની તક આપવા વિનંતી કરી હતી. ત્યારે પીડિતાએ પણ તેને એક તક આપવા અને આગળ કોઈ કાર્યવાહી ન કરવાની ભલામણ કરતા યુવાનને કડક સૂચના આપી લેખિત બાંયધરી મેળવી છોડી મૂકવામાં આવ્યો હતો.

આમ, અભયમની દરમિયાનગીરીથી આ મામલામાં સુખદ સમાધાન થયું હતું.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *