મોટા વરાછામાં વોટર મીટર બીલમાં અસહ્ય વધારો : ગૃહિણીઓનો વિરોધ
શહેરના વરાછા વિસ્તારમાં આજે વધુ એક સોસાયટીમાં વોટર મીટર બિલમાં અસહ્ય વધારાને પગલે ગૃહિણીઓએ વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. સોસાયટીના રહેવાસીઓ દ્વારા વોટર મીટર બિલની રકમમાં સાતથી આઠ ગણો વધારો થયો હોવાનું જણાવી આક્રોશ ઠાલવ્યો હતો. મહિલાઓએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં આ પ્રકારની સમસ્યાઓને પગલે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર મોટા વરાછા વિસ્તારમાં આવેલ ખોડિયારનગર સોસાયટીમાં છેલ્લા પાંચ વર્ષથી મહાનગર પાલિકા દ્વારા વોટર મીટર ફીટ કરવામાં આવ્યા છે. અલબત્ત, આ સમગ્ર વિસ્તારમાં એકમાત્ર આ જ સોસાયટીમાં વોટર મીટરથી પાણી પુરવઠો પુરો પાડવામાં આવતો હોવાને કારણે છાશવારે આ સોસાયટીના નાગરિકોને વોટર મીટરના બીલમાં ધરખમ ફેરફારોને પગલે આર્થિક નુકસાન ભોગવવું પડતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આજે સવારે સોસાયટીની મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે જણાવવામાં આવ્યું હતું કે, જ્યાં 700થી 800 રૂપિયાનું વોટર મીટરનું બિલ આવતું હતું જે વધીને 5000થી 6 હજાર સુધી પહોંચી ચુક્યું છે. આટલું ઓછું હોય તેમ કેટલાક મકાનોમાં તો આ બીલ 15 હજારથી પણ વધારે આવ્યું છે. જેને પગલે લોકોમાં વોટર મીટરની વ્યવસ્થા અંગે રોષ ઠાલવતાં ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
સોસાયટીના રહેવાસીઓ દ્વારા આજે મહાનગર પાલિકાની આ સુવિધા તેમના માટે અભિશાપ રૂપ સાબિત થઈ રહી હોવાનું જણાવતાં કહ્યું હતું કે, મનસ્વી રીતે વોટર મીટરના બિલો આવતાં હોવાને કારણે ઘરનું બજેટ પણ ખોરવાઈ જતું હોય છે. જેને કારણે હવે આ સોસાયટીના રહેવાસીઓ દ્વારા વોટર મીટર હટાવીને બોર થકી પાણી મેળવવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે.