ત્રિરંગાનું અપમાન સહન નહીં કરે ભારત : ખાલીસ્તાનીઓને વિદેશ મંત્રી જયશંકરે આપી આ ચેતવણી
ત્રિરંગાના(Tricolor) અપમાન પર વિદેશ મંત્રી એસ. જયશંકરએ કહ્યું કે ભારત (India) એવો દેશ નથી કે જે તેના રાષ્ટ્રધ્વજને અપમાનજનક રીતે નીચે લાવવાને સહન કરશે કારણ કે ભારત ‘ખૂબ જ સંકલ્પબદ્ધ’ અને ‘ખૂબ જ જવાબદાર’ છે. આ દરમિયાન એસ. જયશંકરે ગયા મહિને લંડનમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં વિરોધીઓના એક જૂથે ભારતીય હાઈ કમિશન પર લહેરાવેલા ત્રિરંગાને નીચે ઉતારી દીધો હતો અને અલગતાવાદી ખાલિસ્તાની ઝંડા લહેરાવ્યા હતા. દેખાવકારોએ ખાલિસ્તાનના સમર્થનમાં નારા પણ લગાવ્યા હતા. જયશંકરે કહ્યું કે આ ઘટના બાદ ભારતના વિરોધીઓને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય હાઈ કમિશન બિલ્ડિંગ પર મોટો ત્રિરંગો ફરકાવ્યો હતો.
વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં કેનેડા, લંડન, સાન ફ્રાન્સિસ્કો અને ઓસ્ટ્રેલિયામાં કેટલીક ઘટનાઓ જોઈ છે. આ હવે એવું ભારત નથી કે જે કોઈ પણ વ્યક્તિ તેનો રાષ્ટ્રધ્વજ નીચે લાવે તેને સહન કરશે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે અમારા હાઈ કમિશને તે ઈમારત પર પહેલા કરતા મોટો ત્રિરંગો લગાવ્યો હતો.
ત્રિરંગાનું અપમાન સહન નહીં કરે
જયશંકરે કહ્યું કે આ માત્ર ખાલિસ્તાનીઓ માટે જ નહીં, અંગ્રેજો માટે પણ જોરદાર જવાબ છે. આ એ હકીકતનું પ્રતિક છે કે આ આપણો રાષ્ટ્રધ્વજ છે અને જો કોઈ તેનો અનાદર કરવાનો પ્રયાસ કરશે તો અમે આના કરતા મોટો રાષ્ટ્રધ્વજ લગાવીશું.
ભારતે આ કાર્યવાહી કરી છે
તેમણે વધુમાં કહ્યું કે આજનો ભારત અલગ છે. એક ભારત જે ખૂબ જ જવાબદાર છે અને સાથે સાથે ખૂબ જ મજબૂત છે. લંડનમાં બનેલી આ ઘટના બાદ, ભારતે તેના રાજદ્વારી મિશનની સુરક્ષાને લઈને યુકે સરકાર સમક્ષ પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ સિવાય ભારતીય હાઈ કમિશનના પરિસરમાં પૂરતી સુરક્ષાના અભાવ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.