જીવનના અંતિમ શ્વાસ લઈ રહેલા આરોપીના કેન્સરગ્રસ્ત પિતાની અંતિમ ઈચ્છા પુરી કરવા જેલ અધિક્ષકનો માનવતાવાદી અભિગમ
જેલમાં(Jail) સજા કાપી રહેલા કેદીની અંતિમ ઈચ્છા અંગે તો આપણે ઘણું સાંભળ્યું હશે પરંતુ સુરતની લાજપોર જેલના વહીવટી તંત્ર દ્વારા પહેલી વખત માનવતાનાં ધોરણે આરોપીના મરણપથારીએ પડેલાં પિતાની અંતિમ ઈચ્છા પુરી કરવામાં આવી હતી. હોસ્પિટલના બિછાને જીવનના અંતિમ શ્વાસ લઈ રહેલા પિતાએ લાજપોર જેલમાં બંધ પોતાના પુત્રને મળવાની ઈચ્છા વ્યક્ત કરતાં જેલના અધિક્ષક દ્વારા ખાસ સંજોગોમાં પિતા – પુત્રની અંતિમ મુલાકાત માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર વિશ્વાસઘાતના આરોપમાં લાજપોર જેલમાં બંધ મહેશ લાઠીના પિતા છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં સારવારગ્રસ્ત હતા. જીવનના અંતિમ તબક્કામાં બ્લડ કેન્સરની બિમારીથી પીડાતા રામસાગર લાઠીએ પોતાના પુત્ર મહેશને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે, જેલમાં બંધ હોવાને કારણે મહેશ લાઠીયા પોતાના પિતાને મળી શકે તેવી કોઈ શક્યતાઓ નહતી. આ સ્થિતિમાં જેલના મુલાકાત જેલર કે. જે. ધારગે સમક્ષ મહેશ લાઠીયાના પરિવારજનો દ્વારા આ સમસ્યા અંગે રજુઆત કરવામાં આવી હતી. પિતાની અંતિમ ઈચ્છાને પુરી કરવા માટે જેલના અધિક્ષક જે. એન. દેસાઈ દ્વારા આ કિસ્સામાં માનવતાના ધોરણે ખાસ વ્યવસ્થા ઉભી કરવાની સાથે સાથે પિતા – પુત્રની અંતિમ મુલાકાત માટે લીલી ઝંડી આપી હતી.
બ્લડ કેન્સરને કારણે ગંભીર હાલતમાં હોસ્પિટલમાંથી રામસાગર લાઠીને એમ્બ્યુલન્સમાં લાજપોર જેલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમના પરિવારજનો દ્વારા આરોપી સાથે રૂબરૂ મુલાકાત અંગેનું ફોર્મ ભરાવ્યા બાદ જેલના મેન ગેટ ખાતે એમ્બ્યુલન્સ મંગાવવામાં આવ્યા બાદ આરોપી મહેશ લાઠીની પોતાના પિતા સાથે એમ્બ્યુલન્સમાં જ મુલાકાત કરાવી હતી. આ હૃદયદ્રાવક મુલાકાત દરમ્યાન લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને ખુદ પોલીસની હાજરીમાં મહેશ લાઠી પોતાના પિતાની મુલાકાત દરમ્યાન ચોધાર આંસુએ રડી પડ્યો હતો. કાયદાની મર્યાદા જાળવવાની સાથે સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડનાર જેલ અધિક્ષક જે.એન. દેસાઈના આ પ્રયાસોને કારણે જેલના સ્ટાફ સહિત સજા કાપી રહેલા અન્ય કેદીઓની આંખો પણ ભરાઈ આવી હતી.
મુલાકાત બાદ વતન જઈ રહેલા પિતાનું અવસાન
બ્લડ કેન્સરને પગલે છેલ્લા ઘણા સમયથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રામસાગર લાઠીનો જીવ જાણે પોતાના પુત્રમાં અટકયો હોય તેમ જણાતું હતું. જેલ અધિક્ષક દ્વારા પિતા – પુત્રની મુલાકાત માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવ્યા બાદ એમ્બ્યુલન્સમાં જ રામસાગર લાઠીને અંતિમ વખત તેમનો પુત્ર મહેશ લાઠી મળ્યો હતો. આ મુલાકાત દરમ્યાન પિતા – પુત્ર વચ્ચે જે સંવાદ થયો હતો તે માટે જ જાણે રામસાગર લાઠી પોતાનો શ્વાસ અટકાવીને બેઠા હોય તેમ લાગી રહ્યું હતું. આ મુલાકાતને અંતે પરિવારજનો રામસાગર લાઠીને પોતાના મુળ વતન રાજસ્થાન લઈ જઈ રહ્યા હતા જ્યાં રસ્તામાં જ તેઓના મોતના સમાચાર મળતાં મહેશ લાઠી સહિત જેલનો સ્ટાફ પણ સ્તબ્ધ થઈ ગયો હતો.
ખાસ સંજોગોમાં વ્યવસ્થા કરવામાં આવીઃ જેલ અધિક્ષક જે. એન. દેસાઈ
જાલપોર જેલમાં ફરજ બજાવતાં જે. એન. દેસાઈએ આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, તેઓને ગત 6ઠ્ઠી માર્ચના રોજ આ અંગે જાણવા મળ્યું હતું. જીવનના અંતિમ તબક્કામાં આરોપી પુત્રનું મ્હોં જોવા માટે એક નિઃસહાય પિતાની ઈચ્છા પુરી કરવા માટે જેલના અધિક્ષક જે. એન. દેસાઈ દ્વારા ખાસ કિસ્સામાં મરણાસન્ન પિતા – પુત્રની મુલાકાત માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સંભવતઃ પહેલી વખત કોઈ દર્દી એમ્બ્યુલન્સમાં લાજપોર જેલ પહોંચ્યો હતો અને જ્યાં જેલમાં બંધ આરોપીની એમ્બ્યુલન્સમાં જ મુલાકાત કરાવવામાં આવી હતી.