હવે ખજોદ ડિસ્પોઝલ સાઈટને ઉંબેર ગામે ખસેડવાની વિચારણા : સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત
ખજોદ (Khajod) ડિસ્પોઝલ સાઇટ ડ્રીમ સિટી (Dream City) પ્રોજેક્ટને કારણે તબક્કાવાર બંધ કરવાની દિશામાં મનપા દ્વારા હવે મક્કમ રીતે આગળ ધપવામાં આવી રહ્યું છે. સાયન્ટિફિક ગાર્બેજ ડિસ્પોઝલ સીસ્ટમ ડેવલપ કરવાની સાથે હવે મનપા દ્વારા ખજોદ ડિસ્પોઝલ સાઇટને મોજે ઊંબેર ખાતે શિફ્ટ કરવા માટેની તજવીજ પણ શરુ કરી છે. શહેરના છેવાડાના ઘણાં વિસ્તારોમાં ખજોદ ડિસ્પોઝલ સાઇટ શિક્ટિંગ માટેની વિકલ્પોની વિચારણા બાદ હવે મનપા દ્વારા સત્તાવાર રીતે મોજે ઉંબેરમાં 3.40 લાખ ચો. મીટરથી વધુ સરકારી જમીનની સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ લેન્ડ ફિલ સાઇટના જાહેરહેતુ માટે સરકાર સમક્ષ માગણી કરવામાં આવશે.
મનપા દ્વારા આ સરકારી જમીન માટેની માગણી કરી દેવામાં આવી છે, પરંતુ આ અંગે સ્થાયી સમિતિ મારફતે સામાન્ય સભાની મંજૂરી અનિવાર્ય હોવાથી તંત્ર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ કલેક્ટર સાથે પત્રવ્યવહાર હેતુ આનુષાંગિક કાર્યવાહી માટે મંજૂરી હેતુ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. મોજે ઉંબેરની બ્લોક નં. 197/પૈકીની અંદાજે 3 લાખ ચો. મીટર તથા બ્લોક નં. 199ની અંદાજે 40 હજાર ચો. મીટર મળી કુલ 3.40 લાખ ચો. મીટર સરકારી જમીનની સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ લેન્ડ ફિલ સાઇટના જાહે૨હેતુની સત્તાવાર માગણી કરવામાં આવશે.
મનપા દ્વારા થોડા માસ અગાઉ જ આ અંગે કલેક્ટર સાથે પત્રવ્યવહાર કરી દેવાયો હતો અને કલેક્ટર દ્વારા જરૂરી કાર્યવાહી પણ શરુ કરી દેવામાં આવી છે. મનપાના સૂત્રો મુજબ, સી. આર. ઝેડ ક્લિઅરન્સ પણ મળી ગયું છે અને આ અંગે જરૂરી વાંધા-સૂચનો અન્વયે કલેક્ટરાલય દ્વારા હિયરિંગ પણ કરવામાં આવ્યું છે. આ સરકારી જમીન મનપાને ઉપલબ્ધ થાય તો ખજોદ ડિસ્પોઝલ સાઇટ પરથી તબક્કાવાર ઉંબેર ખાતે ડિસ્પોઝલ સાઇટ ડેવલપ કરવાની તંત્રની લાંબા ગાળાની યોજના છે.