Surat: જમીને ફરવા નીકળેલો ડીંડોલીનો યુવાન 80 ફૂટ ઉંડા કુવામાં પડ્યો
સુરતના ડીંડોલી કરાડવા ખાતે એક 22 વર્ષીય યુવકે 80 ફૂટ ઊંડા કુવામાં પડી ગયો હતો. ત્યારે સ્થાનિક દ્વારા આ યુવકને કુવામાં ડૂબતો જોઈ બનવા અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા વિભાગની ટીમે સમયસર ઘટના સ્થળે પહોંચી જઈ યુવકને રેસ્ક્યુ કરીને સહીસલામત બહાર કાઢ્યો હતો.
મળતી માહિતી મુજબ ડીંડોલી ખાતે નવા હળપતિ વાસ માં રહેતો 22 વર્ષીય યુવક રાહુલ અહેમદ રાઠોડ કલર ટેક્સ માં નોકરી કરે છે. જ્યાં શુક્રવારના રાત્રિના સમયે નોકરીથી થાકીને આવ્યા બાદ તે જમ્યા બાદ ફરવા માટે બહાર નીકળ્યો હતો અને કરડવા ખાતે આવેલ કુવા બાજુ જતા કૂવામાં ડોકિયું કરતી વખતે તેનો પગ સ્લીપ થઈ ગયો હતો અને તે 80 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયો હતો.જ્યાં સ્થાનિક લોકો દ્વારા આ યુવકને ડૂબતો જોઈ આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ફાયર ઓફિસર તરુણ ગઢવીએ જણાવ્યું હતું કે, બનાવ અંગે 10:12 વાગે ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં બનાવની જાણ થઈ હતી. ત્યારબાદ ડીંડોલી ફાયર સ્ટેશનના લાશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે યુવક કુવાનાં પાણીમાં ડૂબી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈ તાત્કાલિક રિંગબોયા કુવામાં નાંખવામાં આવી હતી. જેથી યુવકે રિંગબોયા પકડી લેતા ડૂબતો બચ્યો હતો. ત્યારબાદ લેડર સાથે ફાયરના બે જવાન કુવામાં ઉતર્યા હતા અને યુવકને કમરમાંથી બાંધી ઉપર ખેંચવામાં આવ્યો હતો.આ કુવામાં આશરે 15 થી 20 ફૂટ જેટલું પાણી હતું.