સુરતમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં અનોખી પહેલ: લગ્નમા આવેલા મહેમાનોએ કર્યું માવાનું દાન
સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 64મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. ત્યારે આ સમૂહ લગ્ન દરમિયાન એક અનોખી પહેલ કરવામાં આવી હતી અને તે અંતર્ગત અહીં આવેલા આવેલા કેટલાક મહેમાનોએ માવાનુ દાન કર્યું હતું. ત્યારે આ પ્રકારે માવાનું દાન થતાં સમૂહ લગ્નમાં આવનાર તમામ મહેમાનોમા પણ કુતુહલ જોવા મળ્યું હતું કારણ કે પ્રથમ વખત કોઈ પ્રસંગ દરમિયાન આ પ્રકારે લોકો માવા દાન કરતા જોવા મળ્યા હતા.
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા 64 માં સમૂહ લગ્નનું આયોજન અબ્રામા રોડ મોટા વરાછા ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારે આયોજિત આ લગ્ન ઉત્સવમાં આમંત્રિત મહેમાનો પાસેથી સામેથી દાન માંગ્યું હતું અને એ પણ માવાનું, હવે તમને થશે કે માવા નુ દાન? એ તો વળી કઈ રીતે? કોઈ વ્યક્તિ માવાનું દાન કેમ લેશે અથવા તો કેમ કરશે,આ સવાલ ચોક્કસથી થયો હશે તો તમને જણાવી દઈએ કે જે પણ વ્યક્તિ લગ્ન પ્રસંગમાં માવા લઈને આવ્યા હોય તેમની પાસેથી માવા લેવામાં આવ્યા હતા અને તેમને કહ્યું કે તમે બે માવા આપી બે લાખ રૂપિયાનું દાન કર્યું છે. તો તમને જણાવી દઈએ કે આ કાર્ય કરવા પાછળનો ઉદ્દેશ લોકોને વ્યસનમાંથી મુક્ત કરાવવાનો હતો.
વરાછા ખાતે આયોજિત સમૂહ લગ્નમાં વ્યસન મુક્તિના સંદેશા સાથે લગ્ન પ્રસંગમાં લોકોને અવગત કરાયા હતા. જે પણ લોકો પોતાની સાથે માવા લઈને આવ્યા હોય તેઓ પાસેથી માવા ઉઘરાવી વ્યસન છોડવા માટે અનુરોધ કરાયો હતો. આમ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સમૂહ લગ્ન માં લગ્ન સમારોહની સાથે સમાજ વ્યસન મુક્ત થાય તેની પણ અનોખી પહેલ કરવામાં આવી હતી.
સમૂહ લગ્નમા પર્યાવરણ, શિક્ષણ, આરોગ્ય તથા વ્યવસાય ક્ષેત્રે સેવા આપનાર મહાનુભાવોને બિરદાવાયા
સુરતમાં ૫૦ હજારથી વધુ વૃક્ષો વાવી ઉછેરવાની જવાબદારી લેનાર જે. કે. સ્ટારના શૈલેશભાઈ લુખીને પર્યાવરણ સેવા માટે તથા દેશભરમાં ૩૦૯ થી વધુ શિક્ષણધામ નિર્માણનો સંક્લન લેનાર કેશુભાઈ એચ. ગોટીને શિક્ષણ સુવિધા સેવા માટે સન્માનિત કરાયા હતા. નેત્ર સારવાર તથા નેત્રહીન લોકો માટે નવજીવન આપવા માટે સેવાયજ્ઞ સ્વરૂપ હોસ્પિટલ તથા કેન્દ્ર, સુપા ખાતે શરૂ કરનાર સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરના સ્થાપક ડો. ભાવિનભાઈ પટેલનું વિશેષ સન્માન કરી તે સંસ્થાને સહયોગ કરવા અનુરોધ કર્યોહતો.
વીર શહીદ જવાનોની ઘરે સોલાર રૂફ ટોપ ની નોંધનીય રાષ્ટ્રપ્રેમ સાથે સેવા કરનાર એસ.આર.કે ફાઉન્ડેશનના જયંતીભાઈ નારોલા નું અભિવાદન કરાયું હતું. તે જ રીતે વડતાલ ધામ ખાતે સ્વામિનારાયણ હોસ્પિટલ તથા સુરતમાં સ્વામિનારાયણ ક્લિનીક શરૂ કરનાર સંસ્થાના પ્રમુખ તરીકે મુક સેવા કરનાર ધનજીભાઈરાખોલીયા તથા પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરી પિતાતુલ્ય લાગણી આપનાર મહેશભાઈ સવાણીને પણ તેમની સેવા માટે સન્માનિત કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા આયોજિત 64 માં સમૂહ લગ્નમાં 88 નવ યુગલો એ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, સી.આર. પાટીલ, હર્ષ સંઘવી, પ્રફૂલ પાનશેરિયા, કાનજીભાઇ ભાલાળા, સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા.