Exclusive Video : સુરતમાં યોજાયા ગુજરાતના સૌથી મોંઘા લગ્ન: ક્રિકેટર,બોલીવુડ સેલિબ્રિટીઝની લગ્નમાં હાજરી
ચાર જ્યોતિર્લિંગના દર્શન બાદ મહેમાનો માણશે લગ્ન, બોલીવુડની અનેક મોટી હસ્તીઓની આ લગ્નમાં હાજરી
શાહી અંદાજમાં લગ્ન કરવાની યાદીમાં હવે સુરતના બિલ્ડરનું નામ સામેલ થવા જઈ રહ્યું છે. કારણ કે સુરતના એક જાણીતા બિલ્ડરે પોતાની પુત્રીના લગ્ન પ્રસંગમાં કરોડો રૂપિયાનો અદભુત ,આલિશાન ,અકલ્પનીય, અને અવિશ્વસનીય સેટ તૈયાર કરાવ્યો છે. આ ઉપરાંત આ લગ્ન પ્રસંગમાં બોલીવુડ અને રાજકારણની અનેક મોટી હસ્તીઓ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 27 જાન્યુઆરીના રોજ સુરતના ડુમસ રોડ ખાતે આવેલ પાર્ટી પ્લોટ માં આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.
ચાર જ્યોતિર્લિંગ થીમ પર લગ્ન મંડપ તૈયાર કરાયો
સામાન્ય રીતે લોકો લગ્નને યાદગાર બનાવવા માટે ડેસ્ટિનેશન વેડિંગ અથવા તો બોલીવુડ થીમ, કે ફેમસ ટુરિસ્ટ પ્લેસના સેટ તૈયાર કરતા હોય છે પરંતુ આ બધી વાતોથી અલગ સુરતના એક બિલ્ડરે લગ્ન પ્રસંગમાં આવતા તમામ મહેમાનોને ચારધામની યાત્રા કરાવી છે.લગ્ન માટે તૈયાર કરાયેલા આ આલિશાન મંડપ માટે ચાર જ્યોતિર્લિંગ ના આબેહૂક મંદિર બનાવવામાં આવ્યા છે. એન્ટ્રીગેટ થી પ્રવેશ કરતા જાણે દેવભૂમિ પહોંચી ગયા હોય તેવી અનુભૂતિ થાય એ પ્રકારે આખો સેટ ઉભો કરવામાં આવ્યો છે. અહી મધ્યપ્રદેશ ખાતે આવેલ મહાકાલનું મંદિર, ઉતરાખંડમાં આવેલ કેદારનાથ, ગીર સોમનાથ સ્થિત આવેલ સોમનાથનું મંદિર, અને આંધ્રપ્રદેશ ખાતે આવેલ મલ્લિકાર્જુનનું મંદિર બનાવવામાં આવ્યું છે. આ ઊપરાંત શંકરાચાર્યના ચાર મઠ જેમાં બદ્રીનાથ, દ્વારકા, જગન્નાથપુરી, રામેશ્વરમનો સમાવેશ થાય છે. આ આખો સેટ એ રીતે તૈયાર કરાયો છે કે અહીં આવનાર મહેમાન એક સમય માટે જાણે મંદિર જ પહોંચી ગયા હોય તે રીતની અનુભૂતિ કરશે. અને ત્યારબાદ તેઓ લગ્ન મંડપમાં પ્રવેશ કરશે.જ્યાં વરમારા, અને લગ્ન વિધિ માટે તૈયાર કરાયેલ મંડપ પણ મહેલની જેમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મહેમાનોની બેઠક વ્યવસ્થા પણ ખુબજ સુંદર ગોઠવવામાં આવી છે.
જુઓ વિડીયો :
View this post on Instagram
ત્રણ મહિનામાં 300 થી વધુ કારીગરોની મહેનતથી તૈયાર કરાયો આખો સેટ
આ વિશાળ લગ્ન મંડપ તૈયાર કરવા માટે લગ્નના ત્રણ મહિના પહેલાથી તેની તૈયારી શરૂ કરવામાં આવી હતી. ડુમ્મસ રોડ ખાતે આવેલ એક પાર્ટી પ્લોટની 25 વીઘા જમીનમાં આ સેટ તૈયાર કરવામાં આવ્યો છે.જ્યાં પીઓપી, પીવીસી, થર્મોકોલનો ઉપયોગ કરીને સેટ અપ કરાયો છે.અને તેને બનાવવા માટે છેલ્લા 3 મહિનાથી 300 મજૂરો કામ કરી રહ્યા હતા. અત્યાર સુધી ક્યારેય ન જોયો હોય તે રીતે આ આખો લગ્નનો સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત લગ્ન બાદ સંગીત સંધ્યા નું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે પણ અલગ સેટ બનાવવામાં આવ્યો છે. લાખો રૂપિયાના ઝુમ્મરો,તોરણ, લેમ્પ સહિત અનેક કીમતી શણગારોથી આ કરોડ રૂપિયાનો શાહી મંડપ તૈયાર કરવામાં આવ્યું છે. એક અંદાજા મુજબ આ લગ્ન ગુજરાતના અત્યાર સુધીના સૌથી મોંઘા લગ્ન માનવામાં આવી રહ્યા છે. જેનો ખર્ચો 250 કરોડ સુધીનો મનાઈ રહ્યો છે.
રાજનેતાઓ અને બોલીવુડ સ્ટાર એ લગ્ન પ્રસંગમાં આપી હાજરી
આ શાહી લગ્નમાં દેશભરમાંથી મહેમાનો ને આમંત્રિત કરાયા છે જેમાં ખાસ કરીને બોલીવુડના પ્રખ્યાત સેલિબ્રિટીસ, ધર્મગુરુઓ અને રાજનેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. લગ્નના દિવસે સચિન તેંડુલકર તેમના પત્ની અંજલી તેંડુલકર, બાબા રામદેવ, નોરા રા ફતેહી,રવિના ટંડન,બોની કપૂર સહિત અનેક સેલિબ્રિટી લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા આ ઉપરાંત લગ્નના બીજા દિવસે આયોજિત કાર્યક્રમમાં બોલીવુડની અનેક હસ્તીઓ હાજરી આપશે. જેને પગલે આ લગ્ન મંડપમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
View this post on Instagram
સુરતમા બિલ્ડરે પોતાની દીકરીના લગ્નને યાદગાર બનાવવા માટે ચારધામ મંદિરનો સેટ તૈયાર કરતા શહેરમાં પણ ચારે બાજુ આ લગ્ન મંડપની તેમજ અત્યાર સુધીના કહેવાય રહેલા એવા સૌથી મોંઘા લગ્નની ચર્ચાઓ થઈ રહી છે અને આ મંડપને જોવા માટે શહેરીજનો પણ આતુર બન્યા છે.