Gujarat : બોટાદમાં પહેલી વખત ઉજવાશે રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક પર્વ
પ્રજાસત્તાક પર્વને (Republic Day) હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં તમામ રાજ્યોમાં (States) ગણતંત્ર દિવસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ગુજરાત સરકારે પણ પ્રજાસત્તાક દિવસ 2023ની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે બોટાદ જિલ્લામાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. બોટાદમાં પ્રથમ વખત આ પ્રકારનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.
આ કાર્યક્રમમાં સીએમ અને રાજ્યપાલ પણ ભાગ લેશે
26 જાન્યુઆરીના રોજ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ બંને બોટાદ જિલ્લામાં યોજાનારી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે અને મુખ્ય ધ્વજવંદન સમારોહની અધ્યક્ષતા કરશે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ પણ પ્રજાસત્તાક દિવસનો કાર્યક્રમ યોજાશે. પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા સીએમ પટેલ બોટાદ પહોચશે અને વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવા ઉપરાંત બોટાદ જિલ્લાની બે કોફી ટેબલ બુકનું વિમોચન કરશે.
જિલ્લા કક્ષાએ પણ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે
રાજ્યના 33 જિલ્લામાં આયોજિત ગણતંત્ર દિવસની ઉજવણીમાં મંત્રીઓ અને સ્થાનિક ધારાસભ્યો ભાગ લેશે. બોટાદમાં યોજાનારી પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા વિવિધ પરેડ અને પરાક્રમો કરવામાં આવશે. ગણતંત્ર દિવસને ધ્યાનમાં રાખીને તમામ વિભાગોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જણાવી દઈએ કે ગણતંત્ર દિવસ પર રાજ્ય સ્તર અને જિલ્લા સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓને સન્માનિત કરવામાં આવે છે.
રાજધાની દિલ્હીમાં પણ ગણતંત્ર દિવસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.કર્તવ્ય પથની રચના થયા બાદ માનવામાં આવી રહ્યું છે કે આ વખતે પ્રજાસત્તાક દિવસનો કાર્યક્રમ જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી શકે છે.