ચાઇનીઝ દોરા,ચાઇનીઝ લેન્ટર્નસહિત વસ્તુની ઉત્પાદન અને ઉપયોગ અંગેની ફરિયાદ 100 નંબર પર કરી શકાશે
ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને ઉપયોગ અંગે નાગરિકો ૧૦૦ નંબર ઉપર ફરિયાદ કરી શકશે
ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગ પર મૂકવામાં આવેલ પ્રતિબંધનું ચુસ્તપણે પાલન કરાવવા રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રને સૂચના અપાઇ
ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગ પર મૂકવામાં આવેલ પ્રતિબંધનું ચુસ્તપણે પાલન કરાવવા રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે એમ ગૃહ વિભાગની યાદીમાં જણાવાયું છે.
ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા, ચાઇનીઝ લેન્ટર્ન તથા અન્ય નૂકસાનકારક પદાર્થોથી બનેલી વસ્તુ પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ પીટીશનની આજની સુનાવણી દરમિયાન નામદાર કોર્ટ દ્વારા દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા જેને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગથી નાગરિકો, પશુ-પક્ષી અને પર્યાવરણને નૂકસાન થતુ હોવાથી રાજ્ય સરકાર દ્વારા આ વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેનું ચૂસ્તપણે પાલન થાય તથા આ સંદર્ભે લોકજાગૃતિ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સમગ્ર પોલીસ તંત્ર, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
આ સંદર્ભે લોકજાગૃતિ કેળવવા મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતા હોય તેવા સ્થળોએ પબ્લીક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવો, સમગ્ર રાજ્યમાં લગાવવામાં આવેલ એલ.ઇ.ડી. સ્ક્રીન પર સમયાંતરે જનજાગૃતિ સંદેશાઓ પ્રસારિત કરવા તથા શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓ સાથે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે.
નાગરિકો ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને ઉપયોગ અંગે ફરિયાદ ફોન નંબર : ૧૦૦ ઉપર રજૂ કરી શકશે.