Surat: સચીનમાં પૂર્વપ્રેમીએ પ્રેમિકાના ગળે સરાજાહેર કટર ફેરવી દેતા ચકચાર
પ્રેમીની કાયમી કચકચથી યુવતી ત્રાસી જતા સંબંધ તોડી નાંખ્યો હતો
શહેરના છેવાડે સચીન વિસ્તારમાં એક ઝનૂની પ્રેમીએ પૂર્વપ્રેમિકાના ગળે જાહેરમાં ક્રૂરતાપૂર્વક કટર ફેરવી દેતા ચકચાર મચી ગઈ હતી. ગળું ચીરાઈ જતાં યુવતીને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે યુવતીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે પ્રેમીની ધરપકડ કરી છે.
સમગ્ર શહેરમાં ચકચાર મચાવનારી આ ઘટનાની વિગત એવી છે કે, ઉમરપાડાની ૨૨ વર્ષીય યુવતી હાલ સચીન સુડા વિસ્તારમાં રહે છે. સચીન ખાતે આવેલા એપેરેલ પાર્કના એક કારખાનામાં સિલાઈ મશીન ઉપર કામ કરે છે. કોરોના અગાઉ તાપી જિલ્લાના નીઝર ખાતે બોરદા ગામે આવેલા ફળિયામાં રહેતા રામસિંગ ગુલાબસિંગ પાડવી સાથે યુવતીને પ્રેમસંબંધ બંધાયો હતો. બંને વર્ષ ૨૦૧૯માં સાથે કામ કરતા હતા. પ્રેમ સંબંધ દરમિયાન રામસિંગ નાની નાની વાતે યુવતી સાથે કચકચ કરતો હતો. બંને વચ્ચે શાબ્દિક તડાફડી થતી હોય યુવતીએ રામસિંગ સાથેનો સંબંધ તોડી નાંખ્યો હતો.
પ્રેમમાં નિષ્ફળ ગયેલા રામસિંગ યેનકેન પ્રકારે યુવતી સાથે પ્રેમસંબંધ ચાલુ રાખવા તેણી ઉપર દબાણ કરવાનું યથાવત રાખ્યું હતું. ગત સપ્તાહે પણ રામસિંગે યુવતીને સચીન વિસ્તારમાં આંતરી હતી. જો કે, પબ્લિક ભેગુ થઈ જતાં તે નાસી છૂટ્યો હતો. દરમિયાન બુધવારે સવારેપોતાના નિત્યક્રમ મુજબ યુવતી તેની બહેનપણી સાથે નોકરી કરવા જઈ રહી હતી. તે દરમિયાન રામસિંગે યુવતીને એપેરેલ પાર્ક ખાતે અટકાવી પોતાની સાથે આવવા દબાણ કર્યું હતું. યુવતીએ ધરાર ઈન્કાર કરતા રામસિંગે પિત્તો ગુમાવ્યો હતો. આ સાથે જ પોતાની પાસે રહેલી કટર ક્રૂરતાપૂર્વક યુવતીના ગળા ઉપર ફેરવી દીધી હતી.
જાહેરમાં પ્રેમિકાનું ગળુ ચીરી તેની હત્યાની કોશિશ કરનારો રામસિંગ ફરાર થઈ ગયો હતો. લોહીથી લથપથ યુવતીને તુરંત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.યુવતીની ફરિયાદ બાદ મધરાતે પોલીસે રામસિંગની ધરપકડ કરી છે.