મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના:60 બોડી કાઢ્યાનો કાન્તિ અમૃતિયનો દાવો
આખા ગુજરાત માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. કારણ કે મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા છે. 5 દિવસ પહેલાં જ પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. ત્યારે આજે પણ લોકોની ભીડ જામી હોય, મોડી સાંજે આ પુલના બે ભાગ થઈને તૂટી પડ્યો હતો.
આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નીચે પટકાયા હતા. જેમાં 60 બોડી કાઢ્યાનો કાન્તિ અમૃતિયાએ દાવો કર્યો છે. અત્યારે બચાવ કામગીરી પુરજોશમાં છે. કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે. જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ છે. તો વળી CM પણ ગાંધીનગરમાં આવી ચૂક્યા છે. સાથે જ સમાચાર મળી રહ્યા છે કે હર્ષ સંઘવી મોરબી જવા માટે રવાના થઈ ગયા છે. કંન્ટ્રોસરૂમ અને હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાજનોને 2-2 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેર કરી છે. જ્યારે સારવાર માટે રાજકોટમાં ઇજાગ્રસ્તોની સારવાર માટે અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી: ગૃહરાજ્ય મંત્રી સંઘવી
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર તંત્ર તાત્કાલિક ધોરણે બચાવ કામગીરીમાં લાગી ગયું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમામ કાર્યક્રમો રદ કરીને અમદાવાદથી મોરબી જવા રવાના થઈ ગયા છે, એમ તેમણે ઉમેર્યું હતું
મંત્રીએ વધુમાં જણાવ્યું કે જિલ્લા તંત્ર દ્વારા બચાવની કામગીરી ઝડપથી ચાલી રહી છે. રાજ્યના તમામ વિભાગો સહયોગ કરી રહ્યા છે. આ ઘટનાના 15 મિનિટમાં જ જિલ્લા વહીવટી તંત્ર કામે લાગી ગયું હતું અને મોટાભાગના લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે, આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પણ પહોંચાડવામાં આવી રહ્યા છે. હોસ્પિટલમાં પહોંચેલા દર્દીઓમાંથી મોટાભાગના સ્વસ્થ સ્થિતિમાં છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
હર્ષસંઘવીએ કહ્યું કે, પીએમ કાર્યાલય તરફથી પણ તમામ મદદની ખાતરી આપવામાં આવી છે. એનડીઆરએફની ટીમ પણ તેહનાત કરી દેવામાં આવી છે.
આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ તથા અન્ય અધિકારીઓ સાથે વાત કરી. રાહત અને બચાવ કામગીરી પુરઝડપે ચાલી રહી છે તથા અસરગ્રસ્તોને તમામ આવશ્યક સહાય પૂરી પાડવામાં આવી રહી છે.