મુખ્યમંત્રી આવાસમાં ફ્લેટ અને દુકાનના ચક્કરમાં ચાર લોકોએ 6.39 લાખ ગુમાવ્યા
શહેરના અગાઉ પણ અનેકવાર એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે પાલિકામાં(SMC) પોતાની ઓળખ હોવાની વાતો કરી આવાસ અને દુકાન અપાવવાના બહાને લોકો સાથે લાખ્ખોની ઠગાઈ થવા પામી છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વેસુ વીઆઈપી રોડ ખાતે આવેલ સુરત મહાનગર પાલિકાના સુમન તાપી એપાર્ટમેન્ટમાં સસ્તામાં દુકાન અને ફ્લેટ અપાવવાને બહાને ઠગબાજે જી.આઈ.એસ.એફના ગાર્ડ સહિત ચાર મિત્રો પાસેથી કુલ રૂપિયા ૬.૩૯ લાખ પડાવી લઇ આવાસ કે દુકાન નહીં અપાઈ હાથ ઊંચા કરી લીધા હતા. જેથી ભોગ બનનારા લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ભટાર આઝાદનગર રોડ તડકેશ્વરનગર સોસાયટીમાં રહેતા અને પાલ આરટીઅો ખાતે જી.આઈ.એસ.એફમાં ગાર્ડ તરીકે નોકરી કરતા ૪૩ વર્ષીય સરોજસિંહ બિજેન્દ્રસિંહ ચૌહાણએ ગતરોજ રજનીશ મંગુ રાઠોડ (રહે, પનાસગામ સીટીલાઈટ )સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઅોએ જણાવ્યું હતું કે સન ૨૦૨૨માં વી.આઈ.પી રોડ ધીરજ સન્સ પાસે તેના મિત્ર શિવરામ જાટવે મારફતે રજનીશ મંગુ રાઠોડ સાથે મુલાકાત થઈ હતી. તે વખતે રજનીશ રાઠોડએ વી.આઈ.પી. રોડ ખાતે આવેલ સુરત મહાનગરપાલિકા દ્વારા ગરીબ-મધ્યમ વર્ગના લોકોને ફાળવતા આવાસ પૈકીના સુમન તાપી એપાર્ટમેન્ટમાં દુકાન અને ફ્લેટ ખાલી છે.
જો તમારે લેવી હોય તો કહેજો મારે એસ.એમ.સી માં સારી એવી ઓળખાણ હોવાથી દુકાન અને ફ્લેટ સસ્તા ભાવે અપાવવાનો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો. રજનીશની વાતોમાં વિશ્વાસ મુકી તેઓ તેમની સાથે દુકાન જાવા માટે ગયા હતા. સરોજસિંહને દુકાન પસંદ પડતા દુકાન લેવાની હા પાડી રૂપિયા ૨૮,૮૦૦ અને ૧,૦૫,૦૦૦ના બે ચેકથી આપ્યા હતા. ત્યારબાદ ચાર મહિના પછી રજનીશ રાઠોડએ ફ્લેટ પણ ખાલી છે કોઈને જાઈતા હોય તો કેજો હોવાનુ કહેતા સરોજસિંહએ તેના મિત્ર મિતુલસિંહ ભુપેન્દ્રસિંગ દેલાઈ, વિનોદકુમાર અશ્નારામ માલી, અને રાહુલ નટવરલાલ ઠક્કરને વાત કરી તેમને ફ્લેટ અપાવાની વાત કરી સરોજસિંહ સહિત ચારેય મિત્રો જણા પાસેથી કુલ રૂપીયા ૬,૩૯,૦૦૦ પ઼ડાવ્યા હતા. ત્યારબાદ ફ્લેટ કે દુકાન અપાવી ન હતી. રજનીશ રાઠોડ પાસે અવાર નવાર પૈસાની માંગણી કરવા છતાંયે પૈસા નહી આપી છેતરપિંડી કરી હતી. બનાવ અંગે પોલીસે સનોજસિંહની ફરિયાદને આધારે અલથાણ પોલીસે રજનીશ રાઠોડ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.