Surat : જહાંગીરાબાદમાં બોટોનીકલ ગાર્ડન પાસે આવેલ 25થી વધુ ગેરકાયદેસર તબેલાઓનું વહીવટી તંત્ર દ્વારા ડિમોલીશન
સુરત (Surat )મહાનગર પાલિકાના હદ વિસ્તારમાં ગેરકાયદેસર તબેલાઓના (Stables )ન્યૂસન્સને દુર કરવા માટે તંત્ર (SMC) દ્વારા આજે વધુ એક વખત કવાયત હાથ ધરવામાં આવી છે. અગાઉ કતારગામ ઝોન દ્વારા અલગ – અલગ વિસ્તારોમાંથી ગેરકાયદેસર તબેલાઓ દુર કરવામાં આવ્યા બાદ હવે આજે વહેલી સવારથી રાંદેર ઝોન દ્વારા જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલા ગેરકાયેદસેર તબેલાઓના દબાણોને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આજે સવારે રાંદેર ઝોન દ્વારા જહાંગીરાબાદ પાસે આવેલ બોટનીકલ ગાર્ડનની સામે છેલ્લા ઘણા સમયથી ન્યૂસન્સ રૂપ સાબિત થઈ રહેલા ગેરકાયદેસર તબેલાઓ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, આ દરમ્યાન તબેલાના માલિકો દ્વારા વિરોધની આશંકાને પગલે માર્શલ અને એસઆરપીના જવાનો સાથેની ટીમ દ્વારા સરકારી જમીનો પર ઉભા કરી દેવામાં આવેલા અંદાજે 25 જેટલા તબેલાઓ દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ અગાઉ કતારગામ ઝોન દ્વારા પણ આંબાતલાવડી સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે તાણી દેવામાં આવેલા તબેલાઓ દુર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોના ત્રાસ મુદ્દે હાઈકોર્ટ દ્વારા આકરૂં વલણ અપનાવવામાં આવ્યું છે અને જેના ભાગરૂપે જ હવે સુરત મહાનગર પાલિકા પણ અલગ – અલગ ઝોન વિસ્તારોમાં આવેલા ગેરકાયદેસર તબેલાઓને નેસ્તનાબૂદ કરવાની ભગીરથ કામગીરી શરૂ કરી છે. જો કે, માલધારી સમાજના વિરોધ વચ્ચે આજે રાંદેર ઝોન દ્વારા 25 જેટલા ગેરકાયદેસર તબેલાઓ દૂર કરવામાં આવતાં હવે આગામી દિવસોમાં ઉધના – લિંબાયત સહિતના વિસ્તારોમાંથી પણ આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે.