Surat : માલધારી સમાજને ટાર્ગેટ કરવામાં આવતો હોવાનો આક્ષેપ ડિમોલીશન અટકાવવાની માંગ સાથે માલધારી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન
છેલ્લા કેટલાક સમયથી મનપા દ્વારા જે રીતે મનસ્વી ધોરણે તબેલાઓના ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેના કારણે માલધારી સમાજને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું હોવાનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો હતો

Surat: Allegation that Maldhari society is being targeted Protest by Maldhari society with demand to stop demolition
એક તરફ મહાનગર પાલિકા દ્વારા શહેરના અલગ – અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર તબેલાઓ (Stables )દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ આજે સવારથી શહેરના માલધારી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે – સાથે તબેલાઓના ડિમોલીશનની કામગીરી અટકાવવા સંદર્ભે રજુઆત કરવામાં આવી હતી. આ સંદર્ભે વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા માલધારી સમાજના આગેવાનો દ્વારા અલગ – અલગ માંગણીઓ જ્યાં સુધી ન સંતોષાય ત્યાં સુધી શહેરમાં આવેલા તબેલાઓના ડિમોલીશનની કામગીરી અટકાવવા માટે રજુઆત કરવામાં આવી હતી.
હાઈકોર્ટના સખ્ત આદેશને પગલે શહેરમાં રખડતા ઢોર મુદ્દે મનપા દ્વારા સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવતાં હવે માલધારી સમાજમાં મુદ્દે આરપારની લડતના એંધાણ જોવા મળી રહ્યા છે. આજે વહેલી સવારથી શહેરના માલધારી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં નાગરિકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. સૂત્રોચ્ચાર સાથે માલધારી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી સરકાર દ્વારા પશુપાલકો માટે અલગથી ઝોનની વ્યવસ્થા નહીં કરવામાં આવે ત્યાં સુધી ડિમોલીશનની કામગીરી પર બ્રેક મારવામાં આવવી જોઈએ.
છેલ્લા કેટલાક સમયથી મનપા દ્વારા જે રીતે મનસ્વી ધોરણે તબેલાઓના ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેના કારણે માલધારી સમાજને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું હોવાનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો હતો. આ સિવાય માલધારી સમાજે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, જ્યાં સુધી સરકાર દ્વારા અમારી માંગણીઓનો સ્વીકાર નહીં કરવામાં આવે ત્યાં સુધી માલધારી સમાજ દ્વારા આંદોલન ચાલુ રાખવામાં આવશે.