Surat: બાપ્પાનું આવું આગમન તમે બીજે ક્યાંય નહિ જોયું હોઈ
સુરત બન્યું ગણેશમય: બાપ્પાને આવકારવા શહેરના માર્ગો પર ભક્તોનું ઘોડાપૂર
શહેરમાં કોરોના બાદ કોઇપણ પ્રિતબંધ વગર ગણેશ ઉત્સવ ઉજવવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સુરતમાં ગણેશ વિસર્જનની જેમ શ્રીજી આગમન યાત્રા પણ ગણેશ મૂર્તિના સ્થાપન માટે ભવ્ય બની રહી છે. પહેલા માત્ર મોટા મેળાવડા જ નીકળતા હતા, પરંતુ હવે નાના મેળાવડા અને સોસાયટીઓમાં પણ ગણેશ આગમન યાત્રા આસ્થા અને શ્રધ્ધા સાથે કરવામાં આવી રહી છે. તે પણ વીકએન્ડ હોવાથી, શહેરના ઘણા રસ્તાઓ આ પ્રકારની આગમન યાત્રાના સાક્ષી બની રહ્યા છે.ડી જે, ઢોલ, નગારા, સાથે બાપ્પાને આવકારતા સુરતીઓ શ્રીજીમય બન્યા છે
કોરોનાને કારણે બે વર્ષથી લગાવવામાં આવેલા પ્રતિબંધો હવે હટાવી લેવામાં આવ્યા છે અને બધું જ પહેલાની જેમ રૂટીન થઈ ગયું છે ત્યારે આ વખતે તહેવારોને ઉજવણી પર પણ કોઈ નિયંત્રણ ન હોવાથી હાલ આવી રહેલા ગણેશ ઉત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે પ્રકારે ગણેશ આગમનમાં ભક્તોનો ઘોડાપૂર જોવા મળી રહ્યો છે તે જોતા આયોજકો અને ભક્તો આ ઉત્સવની ઉજવણી ભારે ધામધૂમથી કરશે એ નક્કી થઈ ગયું છે. ખાસ કરીને હાલ શહેરના કોટ વિસ્તાર અને રાંદેર અડાજણ સહિત અનેક વિસ્તારોમાં ગણેશ આગમન યાત્રાનો ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યું છે જેમાં લાઇટિંગ ,ડીજે ,ઢોલ, નગારા, લેઝિંગ, પાલખી, બગી,જેવા વાજિંત્રો સાથે બાપાની આગમન યાત્રા નીકળી રહી છે.
વર્ષો પહેલા સુરતમાં માત્ર વિસર્જનમા મોટી સંખ્યામાં લોકો જોવા મળતા હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ગણેશ આગમનયાત્રાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે અને હવે તેમાં જોરદાર ઉછાળો આવ્યો છે. મોટા ભાગના મોટા ગણેશ આયોજકોએ આવતા બુધવારથી ગણેશ ઉત્સવ શરૂ થાય તે પહેલા વીકએન્ડ દરમિયાન ગણેશ આગમન યાત્રા શરૂ કરી દીધી છે. જેના કારણે આવતા વિસ્તારના રસ્તાઓ બંધ છે. ગણેશ આગમન યાત્રામાં હજારો લોકો જોડાઈ રહ્યા છે અને હજારો લોકો તેને જોવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.