TBના કારણે પિતાનું અવસાન થતા 8 વર્ષનો બાળક બન્યો લાચાર : સુરત સિવિલનો સ્ટાફ બન્યો પરિવાર
ડભોલી (Dabholi) બ્રિજ નજીકથી ટીબીના(TB) દર્દીને 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ(Civil) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં બુધવારે રાત્રે તેમનું અવસાન થયું હતું. હોસ્પિટલ પ્રશાસને તેની સાથે હાજર આઠ વર્ષના પુત્રને લાચાર જણાતા તેને પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ કર્યો છે. વોર્ડના તબીબો અને નર્સિંગ સ્ટાફ બાળકની વાલીઓની જેમ કાળજી લઈને માનવતા મહેકાવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ ડભોલી બ્રિજ પાસે ફૂટપાથ પર રહેતા રમેશ પ્રભુ નાયકા (40)ને 11 જાન્યુઆરીએ 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. રેસ્પિરેટરી મેડિસિન વિભાગના વડા ડૉ.પારુલ વડગામા અને ડૉ.ભૂમિકા પટેલની દેખરેખ હેઠળ રમેશની સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ તબિયત નાજુક હોવાથી રમેશનું બુધવારે રાત્રે મોત થયું હતું. રમેશની સાથે તેનો આઠ વર્ષનો પુત્ર ઉમેશ પણ હતો. આ સિવાય તેની સાથે કોઈ નહોતું.
આ ઘટના અંગે તબીબોએ પોલીસને જાણ કરી હતી. વોર્ડમાંથી માહિતી મળતાં હોસ્પિટલ પ્રશાસને ઉમેશને બાળરોગ વિભાગના વોર્ડમાં દાખલ કર્યો હતો. આરએમઓ ડૉ. કેતન નાયકે જણાવ્યું કે ઉમેશના પરિવારજનોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પરિવારના કોઈ સભ્ય આવે ત્યાં સુધી બાળકને વોર્ડમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વોર્ડના ડોકટરો અને નર્સિંગ સ્ટાફ વાલીઓની જેમ કાળજી લઈ રહ્યા છે.
ડોક્ટરોએ જણાવ્યું કે ઉમેશ માનસિક રીતે બીમાર હોય તેવું લાગી રહ્યું છે. લાંબા સમય સુધી પિતા સાથે રહેવાને કારણે તેમનામાં કોઈ ઈન્ફેક્શન તો નથી, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તાજેતરમાં, પીડિયાટ્રિક વોર્ડમાં ડોકટરો અને નર્સિંગ સ્ટાફ ઉમેશને ખવડાવવા અને કપડાં પહેરાવવાનું કામ કરી રહ્યા છે. નર્સિંગ એસોસિએશનના ઈકબાલ કડીવાલાએ બાળકના ભણતરનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે. હોસ્પિટલના ડો.ઓમકાર ચૌધરીએ પણ આમાં સહકાર આપવા સંમતિ આપી છે.