સુરતમાં ડાયમંડ એક્ઝિબિશનમાં સ્ટોલના બહાને 60 કરોડની છેતરપિંડી
શહેરના(Surat) ઘોડદોડ રોડ ખાતે આવેલ અજય એન્ડ વિજય કો. જવેલર્સ બ્રાઈડલ(Bridal) ગેલેરીયાનો શો રૂમ વર્ષ 2015માં બંધ થઇ ગયો હતો. સાઉથ ઇન્ડિયન બેંકમાં કરોડો રૂપિયાની લોન બાકી હોવાથી બેંક દ્વારા પણ મિલકત સીલ કરી દેવામાં આવી હતી. જોકે સાત વર્ષ બાદ આખરે પરિવારમાં હિસાબનો નિવેડો ન આવતા મામલો સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં પહોંચ્યો હતો. જ્યાં દિલ્હીમાં ડાયમંડ ગેલેરીયા નામથી જવેલર્સનો શો રૂમ ચલાવતા આધેડે તેના ભત્રીજા સહીત અજય એન્ડ વિજય જવેલર્સ ચલાવતા સિંઘલ પરિવાર સામે કુલ રૂપિયા ૬૦ કરોડની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ દિલ્હીના અને હાલ સુરત શહેરમાં વેસુ સુર્યા ગ્રીન વ્યુ ખાતે રહેતા અનિલકુમાર જગદીશપ્રસાદ સીંઘલ દિલ્હીમાં ડાયમંડ ગેલેરીયા નામથી જવેલર્સનો શો રૂમ ધરાવે છે. ગતરોજ તેઓએ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં તેના સગા ભત્રીજા અશ્વિન અજયભાઇ સીંઘલ અને રાહુલ અજયભાઇ સીંઘલ તથા અંકિત અનિલકુમાર મિત્તલ, કિરણદેવી અજયભાઇ સીંઘલ, પ્રિતી રાહુલભાઇ સીંઘલ સામે રૂપિયા 60 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
જેમાં જણાવ્યું હતું કે ઘોડદોડ રોડ સ્થિત રીટ્ઝ સ્કેવરમાં આવેલ અજય એન્ડ વિજય કો. જવેલર્સ બ્રાઈડલ ગેલેરીયા નામની તેમની ભાગીદારીની પેઢી હતી. છતાંયે આરોપીઓએ ગત તા 15 ડિસેમ્બર 2015થી અત્યાર સુધીમાં પોતાનો આર્થિક ઈરાદો પાર પાડવા પોતે વેપારી હોવાનું જાણવા છતાં વેપારીની હેસીયતથી અજય વિજય પેઢીમાંથી રૂપિયા 39.50 કરોડનો જવેલરીનો સ્ટોક તથા ડાયમંડ ગેલેરીનો અંદાજીત રૂ, 12,48,43,000 જવેલરીનો સ્ટોક તેમજ આર્કે ડાયમંડમાંથી અંદાજીત 6 કરોડના રફ હીરા અથવા કોઈને વેચાણ કરી અન્ય બીજા લેણદારો પાસેથી લેવા પૈસા પણ પોતે લઈ અંદાજીત 60 કરોડની ઉચાપત કરી છે.
તેમજ સાઉથ ઈન્ડીયન બેન્ક દ્વારા વેપારી તરીકે આપેલ લોનના નાણાની ઈરાદાપુર્વક રીતે ઉચાપત કરી લોન એકાઉન્ટ એન.પી.એ કરાવી અજય એન્ડ વિજય પેઢીના ભાગીદાર વિજય અગ્રવાલ સાથે છેતરપિંડી કરી છે. ઉલ્લેખનીય છે કે અનિલભાઈના ભત્રીજા અશ્વિને જણાવ્યું હતું કે સુરતમાં ડાયમંડ એક્ઝિબિશનમાં સ્ટોલ મુકવો છે અને જવેલરી મુકવા માટે તેમની દિલ્હીની ડાયમંડ ગેલેરીયામાંથી જવેલરીનો મોટો જથ્થો સુરતમાં મંગાવી લીધો હતો. જોકે બાદમાં તેઓએ એનકેન પ્રકારે ઠગાઈ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી આગળની તપાસ ઈકો સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ભત્રીજાએ સુરત બાદ દિલ્હીમાં એક્ઝિબિશનની વાત કરી હતી
ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવનાર અનિલભાઈએ જણાવ્યું હતું કે અશ્વિને તેઓને વિશ્વાસમાં લેતા કહ્યું હતું કે સુરતમાં ડાયમંડ એક્ઝિબિશન પૂર્ણ થયા બાદ દિલ્હીમાં ડાયમંડ એક્ઝિબિશનમાં તમામ માલ મોકલી આપીશું અને ત્યાં ડાયમંડ એક્ઝિબિશનમાં ભાગ લઈશું. તેમ કહી ડાયમન્ડ ગેલેરીયામાં પડેલો જૂનો જવેલરીનો સ્ટોક પણ નવો ઘાટ આપી નવી ડિઝાઇન બનાવવા સુરતમાં મંગાવી લીધો હતો.
આર્ક ડાયમંડમાં મેન્યુ ફેક્ચરિંગનું કામ કરવામાં આવતું
સુરતમાં ચાલતા અજય એન્ડ વિજય જવેલર્સ અને દિલ્હીમાં ચાલતા ડાયમંડ ગેલેરીયા જવેલર્સ બંનેના જુના સોનાના ઘરેણાંને નવો ઘાટ આપી નવી ડિઝાઇનથી બનાવવાનું કામ મહિધરપુરામાં આવેલ આર્ક ડાયમંડમાં કામ કરવામાં આવતું હતું. આ આર્ક ડાયમંડ તેના ભત્રીજા રાહુલ સિંઘલનું હતું. જોકે બંને જવેલર્સમાંથી તેને ટકાવારી આપવામાં આવતી હતી અને કામ કરવામાં આવતું હતું.